કાંકેર, છત્તીસગઢમાં મોબાઇલ પડી જતા તેને શોધવા માટે ફૂડ ઇન્સ્પેક્ટરે આખા ડેમને ખાલી કરાવ્યો હતો અને લાખો લિટર પાણી વેડફી નાખ્યું હતું. આ અધિકારીને સસ્પેન્ડ કર્યા બાદ હવે જે પાણી વેડફી નાખ્યું હતું તેની પણ વસુલાત કરવામાં આવશે.ફૂડ ઇન્સ્પેક્ટર રાજેશ વિશ્ર્વાસની સાથે સાથે એસડીઓ આર.એલ. ધીવર પાસેથી વેડફાયેલા પાણીના પૈસા પેટે અંદાજે ૫૩ હજાર રૂપિયા વસૂલાશે.
ફૂડ ઇન્સ્પેક્ટર અને એસડીઓ પાસેથી આ વસુલાત કરવાનો નિર્ણય જળ સંસાધન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અગાઉ એસડીઓએ પાણી વેડફી નાખવા બદલ માત્ર ફૂડ ઇન્સ્પેક્ટર જ દોષી હોવાનું કહ્યું હતું, જોકે બન્ને અધિકારીઓ સામે કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ૨૧થી ૨૫ મે વચ્ચે ફૂડ ઇન્સ્પેક્ટર આ ડેમ પાસે રજાની મજા માણવા માટે ગયા હતા, આ દરમિયાન તેનો મોબાઇલ ડેમમાં પડી ગયો હતો.
મોબાઇલ શોધવા માટે આખા ડેમનું ૪૧ લાખ લિટર પાણી વેડફી નાખ્યું. આ પાણીથી બે હજારથી વધુ એકર જમીન સુધી ખેડૂતોને પાણી પહોંચડી શકાય તેમ હતું. અધિકારીએ ડેમમાંથી પાણી કાઢવા માટે ૩૦ એચપીના બે ડીઝલ પંપને સતત ત્રણ દિવસ સુધી ચલાવ્યા હતા. હાલ રાજ્યના જળ વિભાગે બન્ને અધિકારીઓને પાણી વેડફવા બદલ પૈસા વસુલાત માટે નોટિસ પણ મોકલી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી અધિકારીએ ૧૦ દિવસની અંદર પાણીની ભરપાઇ કરવાની રહેશે. દંડ તરીકે આશરે ૫૩૦૯૨ રૂપિયા વસુલવામાં આવશે. હાલ જે ડેમમાંથી પાણી ખાલી કરી નાખવામાં આવ્યું છે ત્યાં આસપાસ દુષ્કાળ જેવી સ્થિતિ છે અને ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.