ધારાસભ્ય આરસી પટેલની દબંગાઈ : યે ઈલાકા નવસારી કા ઈઝરાયેલ હૈ, જબ તક શાંત બેઠા હે તબ તક ઠીક હૈ

નવસારી, હાલ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ચર્ચામાં છે. ત્યારે નવસારીના ધારાસભ્ય આર સી પટેલનું એક નિવેદન ભારે ચર્ચા જગાવી રહ્યું છે. દબંલ અવતારમાં આવી ગયેલા ધારાસભ્ય આરસી પટેલે નવસારીના જલાલપોરને ઇઝરાયેલ સાથે સરખાવ્યું હતું. તેમણે દબંગ અંદાજમાં કહ્યું હતું કે, ‘યે ઇલાકા નવસારી કા ઇઝરાયેલ હૈ.’ તેનું આવું નિવેદન આપતો વીડિયો હાલ વાયરલ થયો છે.

નવસારીના દબંગ ધારાસભ્ય આર સી પટેલનો દબંગ અંદાજ સામે આવ્યો છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દબંગ આર સી પટેલ ચેતવણી આપી રહ્યાં છે. જલાલપોર તાલુકાના મટવાડ ગામે આવેલી સક્ષમ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. ઇન્સ્ટિટયૂટના સંચાલક દ્વારા બાંધકામ સમય કોઈપણ પ્રકારની પરવાનગી ન લીધા હોવાના સ્થાનિકો દ્વારા આરોપ કરવામાં આવ્યા હતા.

આવામાં મધ્યસ્થી કરવા ગયેલા જલાલપુર ધારાસભ્ય અને સંચાલકો વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. સંચાલકોના કારણે અકળાયેલા ધારાસભ્યએ પોતાનો વિસ્તાર ઇઝરાયેલ હોવાનું જણાવી દબંગગીરી કરી હતી. ઇન્સ્ટિટયૂટના સંચાલકો અને ગ્રામજનો વચ્ચે અગાઉ પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે. તેમણે આ વિસ્તાર ઇઝરાયલ હોવાનું જણાવતા વાયરલ થયેલા વીડિયોને લઈને શહેરમાં ચર્ચા જાગી છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, તું ક્યા કરતા હે મેરે કો નહીં માલૂમ? ઇધર ક્યા સમજતા હૈ. યે સમજ લો નવસારી કા ઇઝરાયેલ હે. સમજા. જબ તક શાંત બેઠા હે તબ તક ઠીક હૈૈ. ઉખડ ગયાના પુરા ઉખાડ દેગા તુમ લોગો કા યે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ૩૫મો દિવસ છે. આ દરમિયાન લેબનનથી ફરી એકવાર ઈઝરાયલ તરફ એન્ટી ટેન્ક મિસાઈલ છોડવામાં આવી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ મુજબ જવાબી કાર્યવાહીમાં લેબનનથી હુમલો કરી રહેલા હિઝબુલ્લાહના ૨ મહત્વના ઠેકાણાઓને નષ્ટ કરી દેવાયા છે.