જાણે કે દિવસેને દિવસે પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં સામાન્ય નાગરિકો તો ઠીક પરંતુ એક ધારાસભ્ય પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના ધારાસભ્યને તેના જ પાડોશીએ યાનથી મારી નાખવાની ધમકી આપી, તેમના પરિવારને પણ ડરાવી ધમકાવ્યા હતા. જો કે આ સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ધારાસભ્ય દ્વારા તેમના પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખીને ઈમરાન ખેડાવાલાએ રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે, દાખલારુપ કાર્યવાહી આ મામલે કરવામાં આવે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાને તેમના પાડોશી ઈરફાન ઉર્ફે સ્ટીલ ગોરી નામના વ્યક્તિએ મારી નાખવાની ધમકીઓ આપી છે. ધારાસભ્ય ઇમરાન ખેરાવાળા અને તેમના ભત્રીજી તેમજ પરિવારના સભ્યોને ઘરે આવી અને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગાયકવાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ તેઓ પોલીસ કમિશનરને પણ મળવા પહોંચ્યા હતા તેમજ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. મહત્વનું છે કે ઇમરાન ખેડાવાલા નાં મકાનનું કામકાજ ચાલી રહ્યું હતુ. જેને લઈને પાડોશી ઈરફાન ઉર્ફે સ્ટીલ ગોરીએ ધાકધમથીઓ આપી હતી અને હું તમને મકાન નહીં બનાવા દઉં, હું તમને જોઈ લઈશ તેમ કહી બોલાચાલી કરી હતી. એટલું જ નહીં જો તમે પોલીસ ફરિયાદ કરી તો ઇમરાન ખેડાવાલાની વિકેટ પાડી દઈશ તેવા પણ ધમકીઓ આપી હતી.
ઇમરાન ખેડાવાલાના મત મુજબ તેઓ તેમના વિસ્તારમાં ડ્રગ્સ અને નસીલી કફસીરપ અંગે અનેક વખત મુહીમ ચલાવતા હોય છે અને ડ્રગ્સ ને નાબૂદ કરવા માટે તેમના વિસ્તારમાં ડ્રગ વેચતા લોકો તેમજ સેવન કરતાં લોકોના નામની રજૂઆત પણ પોલીસને કરતા હોય છે. જેનો દ્વેષભાવ રાખીને તેમને આ ધાકધમકીઓ આપતા હોવાનું તેઓ માની રહ્યા છે. મકાનનું બહાનું આગળ ધરી અસામાજિક તત્વો તેમને ધમકીઓ આપતા હોવાની પણ રજૂઆત તેમણે પોલીસ કમિશનર સમક્ષ કરી છે.
હાલ તો ગાયકવાડ પોલીસ પોલીસે ધારાસભ્ય અને તેના પરિવારની ધમકી આપવાના કેસમાં આઇપીસી ૫૦૬ બી અને ૨૯૪ ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, પરંતુ ધારાસભ્યને મળેલી ધમકીના બનાવને લઈને પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે.