નવીદિલ્હી, મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા હતા જેમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટે મોટી જીત મેળવી છે. આ વખતે મિઝોરમ વિધાનસભાની ચૂંટણીમાં ૧૬ મહિલા ઉમેદવારો મેદાનમાં હતી જેમાં ૪૦ સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં (ઝેડપીએમ)એ મિઝો નેશનલ ફ્રટને સત્તા પરથી હટાવીને મોટી જીત નોંધાવી હતી. જોરમ પીપલ્સ મૂવમેન્ટે ૪૦ સીટની વિધાનસભામાં કુલ ૨૭ બેઠકો જીતી હતી. મિઝો નેશનલ ફ્રન્ટને માત્ર ૧૦ બેઠકો મળી છે. આ સિવાય ભાજપને બે બેઠક અને કોંગ્રેસનો એક બેઠક પરથી વિજય થયો છે. આ વખતે મિઝોરમ વિધાનસભા ચૂંટણી ખરા અર્થમાં ખાસ હતી જેમાં ૪૦ સભ્યોની વિધાનસભામાં પ્રથમ વખત ત્રણ મહિલા ઉમેદવારો ચૂંટાયા છે.
જાહેર થયેલા પરિણામમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટના ઉમેદવાર લાલરીનપુઇલુંગલેઈ પૂર્વ મતવિસ્તારમાંથી જીત્યા અને તેમના પક્ષના સાથીદાર અને ટેલિવિઝન એક્ધર બેરીલ વેન્નીહસાંગી આઇજાવી દક્ષિણ-૩ બેઠક પરથી ચૂંટાયા હતા. આ ઉપરાંત મિઝો નેશનલ ફ્રન્ટના પ્રોવા ચકમા વેસ્ટ તુઈપુઈ બેઠક પરથી જીત્યા હતા. લાલરિનપુઇ અને પ્રવોએ તેમના પુરૂષ કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા, જ્યારે બેરિલ વેન્નીહસાંગીએ તેમના સ્દ્ગહ્લ પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા.
ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતો મિઝો સમાજ પરંપરાગત રીતે પિતૃસત્તાક સંસ્કૃતિને અનુસરે છે. મિઝોરમના મુખ્ય રાજકીય પક્ષોએ લોક્સભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાગ્યે જ મહિલા ઉમેદવારોને નોમિનેટ કરે છે ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ૧૬ મહિલાઓ સહિત ૧૭૪ ઉમેદવારોએ ૭ નવેમ્બરની ચૂંટણી લડી હતી, જ્યારે ૧૮ મહિલાઓ સહિત કુલ ૨૦૯ ઉમેદવારોએ ૨૦૧૮માં છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં છ મહિલા ઉમેદવારો સહિત ૧૩૬ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ૨૦૧૩ કે ૨૦૧૮ની ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર જીતી શકી નથી. મિઝોરમમાં વિધાનસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા પીપલ્સ કોન્ફરન્સના એલ. થાનમાવી હતા.