આઇજોલ, ઝોરામ પીપલ્સ મૂવમેન્ટના નેતા લાલડુહોમાએ શુક્રવારે મિઝોરમના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ રાજધાની આઈઝોલમાં રાજભવન સંકુલમાં લાલડુહોમા અને અન્ય મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે અન્ય ૧૧ નેતાઓ પણ ગુપ્તતાના શપથ લેશે. આ પહેલા બુધવારે જ લાલડુહોમા રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
ભૂતપૂર્વ આઇપીએસ લાલડુહોમાએ ઝોરામ નેશનાલિસ્ટ પાર્ટી નામની પાર્ટી બનાવી, જેના દ્વારા તેઓ રાજ્યના રાજકારણમાં સક્રિય થયા. બીજી તરફ, લાલડુહોમાની પાર્ટીએ રાજ્યમાં અન્ય પાંચ નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું. એ પછીથી ગઠબંધન મોટા રાજકીય પક્ષમાં પરિવર્તિત થયું, જે ઝેડપીએમ પાર્ટીના નામથી ૨૦૧૭માં અસ્તિત્વમાં આવ્યું.
મિઝોરમમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલા ઝેડપીએમના પ્રમુખ લાલડુહોમા મિઝોરમના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. ૧૯૭૨થી ૧૯૭૭ સુધી, લાલડુહોમાએ મિઝોરમના મુખ્યમંત્રીના મુખ્ય સહાયક તરીકે સેવા આપી હતી. સ્નાતક થયા પછી ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષા આપી. ૧૯૭૭માં આઈપીએસ બન્યા બાદ તેમણે ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. ૧૯૮૨માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને તેમના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. નાયબ પોલીસ કમિશનર તરીકે વિશેષ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં ૧૯૮૨ એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.