મિત્રની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાની જીદ કરતા મોત મળ્યું!

સુરત, સુરતમાં કામ કરતા અને સાથે રહેતા બે મિત્રો વચ્ચે પ્રેમિકા આવી અને વાત હત્યા સુધી પહોંચી ગઈ છે. ફૂલવાડી ભરીમાતા રોડ, નહેરુનગર ઝુપડપટ્ટી પાસે તાપી નદી પાસેથી મળી આવેલી લાશ મોહમ્મદ જરદારની હોવાનું તપાસમાં ખુલ્યા બાદ આખી ઘટના કઈ રીતે બની તે ખુલ્યું છે. પોલીસે આ કેસમાં હત્યારા પવન જાટને હરિયાણાથી ઝડપી પાડ્યો છે.

સુરતના નહેરુનગર ઝુપડપટ્ટી પાસેથી એક વ્યક્તિની ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એની જાણકારી મળતા ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. મરનાર વ્યક્તિ કોણ છે તેની ઓળખ ના થતા પોલીસે આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ શરુ કરી હતી. જેમાં મૃતકનું નામ મોહમંદ જરદાર હોવાનું ખુલ્યું હતું. મૃતક મોહમ્મદ સાડીના કારખાનામાં કામ કરતો હતો જ્યાં પવન જાટ નામનો વ્યક્તિ તેની સાથે કારખાનામાં જ રહેતો અને સાથે કામ કરતો હતો. મૃતક જરદારની સાથે પવન થોડા દિવસ પહેલા જ કારખાનામાં કામ કરવા જોડાયો હતો. અને તેનું નામ સામે આવતા પોલીસે પવનની શોધખોળ શરૂ કરી હતી. પવન નામના વ્યક્તિ બાબતે વધુ કોઈ માહિતી નહોતી, જેથી આ પવન નામના વ્યક્તિની મુવમેન્ટ વિશે તથા આસપાસના CCTV ફુટેજ જોતા પવન અગાઉ પંડોળ વિસ્તારમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે માલીકને પૂછતા પવન અગાઉ કામ કરતો હતો પરંતુ હાલમા પંડોળ ફટાકડા વાડીમા સાડીના કારખાનામા કામ કરે છે તેમ જણાવ્યું હતું. પવનને તેઓએ જ કારખાનામાં કામે લગાડેલ હતો. પવનના મિત્ર વર્તુળમા તપાસ કરાવતા પવન તેના મિત્ર શાહરૂખ મન્સુરી (રહે.બીજનોર, યુપી) નામના વ્યક્તિ સાથે સુરત આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. શાહરૂખની પૂછપરછ કરી ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે પવન મુળ હરિયાણાનો વતની છે.

જેના આધારે પોલીસની એક ટીમ પવનને શોધવા માટે તેના વતન હરીયાણાના બસતાડાગામ, તાલુકો ગરોડા, જીલ્લો કરનાલ પહોંચી હતી. પોલીસને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે પવન એક દારૂના ઠેકા પર બેસતો હતો. પોલીસે દારૂના ઠેકા પર વોચ રાખીને બેઠી હતી, આ દરમિયાન ત્યાં આરોપી પવનકુમાર ઉર્ફે પોના રામપ્રતાપ મૌણ (જાટ) આવી પહોંચતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપી પવનની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે જણાવ્યું કે, પોતે સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રેમીકા સાથે વાત કરતો હતો, જેની સાથે મિત્રતા કરાવવા માટે મોહમંદ જરદાર મોહમંદ ઈસ્લામ અંસારી દબાણ કરતો હતો. તા. ૧૧ જૂન ૨૦૨૩ના રોજ રાત્રે ૯ વાગ્યાની આસાપાસ પવન તથા મૃતક જરદાર ફુલવાડીમાં તાપી નદીની પાળા પર બેઠા હતા.

આ સમયે પવન તેની પ્રેમીકા સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતો હતો, આ સમયે જરદાર નાઓએ પવનને તેની પ્રેમીકા સાથે વાતચીત કરાવવા માટે કહ્યું હતું. આ વાત પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને પવને જરદારને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ પછી પવન સુરતથી ટ્રેનમાં બેસીને તેના વતન હરીયાણા ભાગી ગયો હતો. પોલીસે આરોપી પવનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.