
મુંબઇ,
મિથુન ચક્રવર્તીના માતા સાંતિરાની ચક્રવર્તીનું નિધન થયું હતું. મિથુનના સૌથી નાના પુત્ર નમાશીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકીય જગતના લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મિથુનના પિતા બંસત કુમાર ચક્રવર્તીનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું છે. આનંદ બજાર પત્રિકા સાથે વાત કરતાં નમાશીએ કહ્યું, અમારા દાદી હવે આ દુનિયામાં નથી.
સાંતિરાની ચક્રવર્તીએ ગુરુવારે રાત્રે મુંબઈમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. મિથુનના માતા લાંબા સમયથી બીમાર હતી. હૃદય સંબંધિત બિમારીઓને કારણે ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે તેમના અવસાનના સમાચાર મળતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.મિથુનના માતાના અંતિમ સંસ્કાર આજે જ મુંબઈમાં જ કરવામાં આવશે.
ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે સોશિયલ મીડિયા પર લખ્યું છે, ’મિથુન ચક્રવર્તીની માતાના નિધન પર હું ખૂબ જ શોક વ્યક્ત કરું છું. ભગવાન મિથુન દા અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.’’ડાન્સ બાંગ્લા ડાન્સ ૧૨’નું શૂટિંગ કરી રહેલા મિથુન ચક્રવર્તીએ થોડા દિવસો પહેલાં આ શોમાં તેની માતા વિશે પણ વાત કરી હતી.અભિનેતા તાજેતરમાં જ ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જોવા મળ્યો હતો.
મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું એપ્રિલ ૨૦૨૦માં અવસાન થયું હતું. તેમને કિડનીની સમસ્યા હતી. તે સમયે લોકડાઉન હતું. લોકડાઉનના કારણે મિથુન તેમના પિતાની અંતિમ ક્ષણે તેમની સાથે ન હતા.