કોલકાતા, કોલકાતા હાઇકોર્ટે જણાવ્યું છે કે, મિષ્ટી દોઇ, લુચી અને આલુ પોસ્તો જેવી સ્વાદિષ્ટ વાનગીઓની જેમ જાહેર સભાઓ અને બેઠકો બંગાળની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આવી ટિપ્પણી સાથે કોર્ટે રાજ્ય સરકારના કર્મચારી સંગઠનને કૂચ માટે મંજૂરી આપી હતી. કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના કર્મચારી સંગઠન ’સ્ટેટ કોઓડનેશન કમિટી’ દ્વારા રાજ્યના સચિવાલય તરફ કૂચ કરવાના સિંગલ બેન્ચના આદેશમાં હસ્તક્ષેપનો ઇનકાર કર્યો હતો.
કોલકાતા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ટી એસ સિવગ્નાનમની અધ્યક્ષતામાં ડિવિઝન બેન્ચે કર્મચારી સંગઠનને કૂચ કરવાની મંજૂરી આપી હતી, પણ ટ્રાફિકમાં પરેશાની ઊભી નહીં કરવાની તાકીદ પણ કરી હતી. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ’જેમ મિષ્ટી દોઇ, લુચી અને આલુ પોસ્તો બંગાળની સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે તેમ જાહેર સભાઓ, બેઠકો પણ રાજ્યની સંસ્કૃતિનું જ અભિન્ન અંગ છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’દરેક બંગાળી બહુ સારો વક્તા હોય છે. આ રાજ્ય ભવ્ય સંસ્કૃતિ અને વારસો ધરાવે છે.’
ચીફ જસ્ટિસે કૂચની મંજૂરી આપતા જણાવ્યું હતું કે, ’કોલકાતા અને આસપાસના જિલ્લાના સાંકડા માર્ગો પરથી પસાર થતી રેલી અને વિરોધ પ્રદર્શનને કારણે જનતાને બહુ પરેશાની થાય છે. આયોજકો માટે હવે નારાજગી દર્શાવવા રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવાને બદલે વૈકલ્પિક માર્ગ પસંદ કરવાનો સમય પાકી ગયો છે.’ પશ્ચિમ બંગાળ સરકારે કર્મચારી સંગઠનની કૂચ નહીં યોજવા માટે ડિવિઝન બેન્ચને અપીલ કરી હતી. જોકે, કોર્ટે અપીલ ફગાવી રેલીને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે રેલીની મંજૂરી આપી ન હતી. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે, કોલકાતા અને આસપાસના વિસ્તારોની પોલીસ એક દિવસમાં ઘણી રેલીના બંદોબસ્ત માટે સક્ષમ છે.