
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરમાં બેખૌફ બદમાશોએ આજે બપોરે ધોળા દિવસે મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલતર નજીક એક્સિસ બેંકના ATM કેશ વાનને લૂંટી દીધી છે. વિરોધ કરી રહેલા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગોળી લાગવાથી 3 અન્ય લોકો ઘાયલ થયા છે. બે બાઈક પર સવાર ચાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેઓ ફિલ્મી અંદાજમાં હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા. આશરે રૂ. 22 લાખની લૂંટ થઈ છે. ભીડભાડ વાળા વિસ્તારમાં ધોળા દિવસે ઘટેલી ઘટનાથી શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ સાથે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કર્મચારીઓ કેશથી ભરેલું બોક્સ બેંકમાંથી લાવીને મૂકી રહ્યા હતા. આ દરમિયાન બે બાઈક પર સવાર ચાર લોકો વાન નજીક પહોંચ્યા. ચારેય લોકોએ હેલમેટ લગાવી રાખ્યું હતું. બાઈક પર પાછળ બેઠેલા બંને બદમાશોના હાથમાં હથિયાર હતા. બાઈક રોકતા જ ચારેય ઉતર્યા અને હવાઈ ફાયરિંગ શરૂ કરી દીધું. તેનાથી ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી.
ગાર્ડે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેને ગોળી મારી દીધી. ગોળી લાગતા જ ગાર્ડ જમીન પર ઢળી પડ્યો. ત્યારબાદ કેશથી ભરેલા બોક્સને એક બદમાશ ઉઠાવી લે છે અને ચારેય બાઈક પર સવાર થઈને ફરાર થઈ જાય છે. બદમાશોના ગયા બાદ જાણ થઈ કે, ગાર્ડ જયસિંહ તથા અન્ય ત્રણ બહાદુર, અખિલેશ અને રજનીશ મૌર્યને ગોળી મારવામાં આવી હતી. ચારેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બેંક ગાર્ડ જયસિંહને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.