દાહોદ,
જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં આગામી તહેવારો-સામાજિક પ્રસંગોમાં ધોંધાટ કે ધ્વનિ પ્રદૂષણ ના થાય એ માટે આગામી તા. 31 ડિસેમ્બર સુધી આ મુજબના કૃત્યોને પ્રતિબંધિત કર્યા છે.
તદ્દનુસાર, સરકારી કચેરીઓ, હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ધેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહી.
એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનોનો માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહી. તેમજ રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે નાચ ગાન ગરબા જાહેર માર્ગમાં રોકાઇને કરી શકાશે નહી.
ડીજે સીસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને નિર્દેશો ધ્યાને લેવાના રહેશે. અધિકૃત પરવાનગીને આધારે માઇક સીસ્ટમને પ્રતિબંધમાંથી છૂટછાટ મળશે. રાત્રીના 10 થી સવારના 6 કલાક સુધી વગાડી શકાશે નહી.
માઇક અને ડીજે સીસ્ટમ વગાડવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. તેમજ માલીક- ભાગીદારે જે તે વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીએ કરી, દિન 7 પહેલા નિયમો મુજબ મંજૂરી લેવાની રહેશે. મંદિરો, મસ્જિદો, ચર્ચમાં માઇક સીસ્ટમ, વાજિંત્રનો ઉપયોગ સંકુલની બહાર ન જાય એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઇએ. ઉક્ત બાબતોનો ભંગ કરનાર વિરૂદ્ધ સાધનો જપ્ત કરવા સહિતની કડક કાર્યવાહી કરાશે.