એમઆઇ વારંવાર એક જ ભૂલનું પુનરાવર્તન કરે છે : બોલિંગ કોચ ગુસ્સે થયા

મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની છેલ્લી ઓવરમાં વધુ રન આપવા બદલ બોલિંગ યુનિટ પ્રત્યે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તેમની ટીમ એ જ ભૂલને વારંવાર પુનરાવર્તન કરી રહી છે. મંગળવારે રમાયેલી મેચની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે ૧૧ રનની જરૂર હતી, પરંતુ ઈજામાંથી પરત ફરતા ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસીન ખાને શાનદાર બોલિંગ કરીને લખનૌને પાંચ રનથી જીત અપાવી હતી.

લખનૌ સુપરજાયન્ટ્સ ૧૭ ઓવરમાં ત્રણ વિકેટે ૧૨૩ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી પરંતુ મુંબઈએ છેલ્લી ત્રણ ઓવરમાં ૫૪ રન આપ્યા હતા. આ દરમિયાન ક્રિસ જોર્ડનની ૧૮મી ઓવરમાં ૨૪ રન બનાવ્યા હતા. બોન્ડે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “મારા માટે સૌથી નિરાશાજનક બાબત એ છે કે અમે જે યોજનાઓ વિશે વાત કરીએ છીએ તે મેદાન પર તેમને વળગી રહેતી નથી. માર્કસ (સ્ટોઇનિસ) જેવા ખેલાડીઓ માટે આ વિકેટ પર અમે શું કરવા માગીએ છીએ તે અંગે અમે એકદમ સ્પષ્ટ હતા. અમે તેને બોલિંગ કરવાની યોજના બનાવી હતી પરંતુ તે મુજબ બોલિંગ કરી ન હતી.

સ્ટોઇનિસે તેની ૪૭ બોલની ઇનિંગમાં આઠ છગ્ગા ફટકારીને અણનમ ૮૯ રન બનાવ્યા હતા. લખનૌએ સાતમી ઓવરમાં ૩૫ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સ્ટોઇનિસે કેપ્ટન કૃણાલ પંડ્યા (૪૯ રને રિટાયર્ડ હર્ટ) સાથે ચોથી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી કરી હતી. બોન્ડે કહ્યું, “અમે પ્રથમ ૧૫ ઓવરમાં શાનદાર હતા. અમે ઇચ્છતા હતા તે રીતે બોલિંગ કરી. એક ખેલાડીએ અમારા પર દબાણ કર્યું. રાશિદ ખાને છેલ્લી મેચમાં અમારી સાથે આવું જ કર્યું હતું. જો કે અમે ત્યાં સુધી મેચ હાર્યા ન હતા પરંતુ આ મેચ હારી ગયા. છેલ્લી ત્રણ ઓવરમાં ૫૪ રન બનાવવાને ક્યાંયથી યોગ્ય કહી શકાય નહીં.