- ઉપરાછાપરી પોઝીટીવ દર્દીઓનો વધારો થતાં આરોગ્ય ટીમની મદદ થી શારીરિક ચકાસણી કરાઈ
- કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ કચેરી કાર્યરત રાખીને કામગીરી કરવામાં આવશે.
લુણાવાડામાં આવેલી MGVCL માં ફરજ બજાવતા ૧૪ જેટલા કર્મચારીઓને એક અઠવાડિયામાં કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. ઉપરાછાપરી પોઝીટીવ દર્દીઓનો વધારો થતાં આરોગ્ય ટીમની મદદ થી શારીરિક ચકાસણી શરૂ કરવામાં આવવા સાથે કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ કચેરી કાર્યરત રાખીને કામગીરી કરવામાં આવનાર છે.
છેલ્લા ૧૦ દિવસ થી દેશભરમાં કોરોના એ માથું ઉચકયું છે. અગાઉ ૩ માસ પૂર્વે ધીરેધીરે કોરોનાના કેસોમાં ધટાડો થવાની સાથે કોવિડ-૧૯ની રસી શોધવામાં આવ્યાના સમાચારો વચ્ચે એક રાહતનું કિરણ જોવા મળ્યું હતું. મહિસાગર જીલ્લામાં પણ હવે જાણે કોરોના એ વિદાય લીધી હોય તેવા માહોલ વચ્ચે લોકો નિશ્ર્ચિંત રહીને રોજીંદી કામગીરીમાં પોરવાઈ ગયા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસ થી અચાનક પોઝીટીવ કેસોમાં ઉત્તરોતર વધારો મહિસાગર જીલ્લામાં નોંધાઈ રહ્યો છે. વિતેલા ૩ દિવસમાં ૩૨ ઉપરાંત પોઝીટીવ કેસો બહાર આવતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપવા સાથે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. થાળે પડેલ કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા અગાઉ સર્વે કરાયેલા સીનીયર સીટીઝનોને કોરોનાની રસીકરણ માટે પ્રોત્સાહિત કરાઈને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એક તરફ ચાલી રહેલા રસીકરણના અભિયાનને મોળો પ્રતિસાદ સાંકળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાની રોકેટ ગતિ એ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ પણ સજાગ બનીને દદીની સારવાર માટે જોતરાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રસીનો લાભ અપાઈ રહ્યો છે. તેવા સમયે લુણાવાડા ખાતે આવેલી MGVCL માં આવેલી ડીવીઝન અને પેટા કચેરીમાં ફરજ બજાવતા ૧૪ જેટલા કર્મચારીઓ વિતેલા એક સપ્તાહ દરમ્યાન કોરોનાની ઝપેટમાં આવતાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. લુણાવાડા MGVCL કચેરીના કર્મચારીઓ ઉત્તરોતર કોરોનાના રોગમાં સપડાતા તાત્કાલીક અસર થી આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવીને આરોગ્ય કર્મીઓ દ્વારા ૩૫ ઉપરાંત સ્ટાફનો નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ એક કર્મચારીનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. ૧૪ જેટલા કોરોનાગ્રસ્ત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરીને તેઓને રજા આપવામાં આવી હતી. જોકે, વીજ તંત્રની કામગીરી ખોરવાય નહીં તે માટે કચેરી કાર્યરત રાખવામાં આવી છે. અને સરકારની કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ સમગ્ર કચેરીઓને સેનેટાઈઝેશન કરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવનાર છે.