
- ભાજપ દિલ્હીની જનતાના જનાદેશનું અપમાન કરી રહી છે.
નવીદિલ્હી,
દિલ્હીમાં એમસીડી મેયર માટેની લડાઈ ગૃહથી લઈને રોડ પર અને સુપ્રીમ કોર્ટ સુધી ગઈ છે. આમ આદમી પાર્ટીએ આજે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ભાજપના મુખ્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે પહેલાથી જ બેરિકેડ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રોક્યા હતા.
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી MCDમાં મેયરની ચૂંટણી થવા દેતી નથી. ભાજપ દિલ્હીની જનતાના જનાદેશનું અપમાન કરી રહી છે. તેને લોકશાહીની હત્યા ગણાવીને આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરીને વિરોધ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, ૬ જાન્યુઆરીએ MCD હાઉસ એક મહિનામાં ત્રીજી વખત તેના મેયરને ચૂંટવામાં નિષ્ફળ રહ્યું હતું. મેયરની ચૂંટણીમાં એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલર)ને મતદાન કરવાની મંજૂરી આપવાના નિર્ણય પર ગૃહમાં હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી પ્રક્રિયાને રોકવા માટે ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તે કોર્ટની દેખરેખ હેઠળ ચૂંટણી કરાવવાની વિનંતી કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
દિલ્હીના મેયરની પસંદગી માટે સોમવારે મ્યુનિસિપલ કોર્પોરેશન ગૃહની બેઠક બોલાવવામાં આવી હતી. આ પહેલા મેયરની પસંદગીના બે પ્રયાસો નિષ્ફળ ગયા છે. એમસીડી હાઉસની બેઠક ૬ જાન્યુઆરી અને ૨૪ જાન્યુઆરીએ બે વખત બોલાવવામાં આવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના હોબાળાને કારણે, પ્રિસાઇડિંગ ઓફિસરે મેયરની ચૂંટણી યોજ્યા વિના કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૫૭ હેઠળ, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી મ્યુનિસિપલ હાઉસની પ્રથમ બેઠકમાં થવી જોઈએ. નગરપાલિકાની ચૂંટણીને બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી શહેરને નવા મેયર મળ્યા નથી. ગયા વર્ષે ૪ ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણી પછી ૨૫૦ સભ્યોની બોડીનું પ્રથમ સત્ર સંપૂર્ણ વ્યર્થ હતું જ્યારે બીજા સત્રમાં ઉમેદવારી લેવામાં આવ્યા બાદ ચૂંટાયેલા કાઉન્સિલરોએ શપથ લીધા હતા.