- ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઇનલમાં અમદાવાદ મેટ્રોમાં રેકોર્ડ ૧,૦૭,૫૫૨ મુસાફરોએ પ્રવાસ કર્યો.
અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચો અને ઉનાળુ વેકેશન મેટ્રો રેલ કોર્પોરેશનને ફળ્યું છે . જેમાં શહેરના મેટ્રો રેલના બંને કોરીડોરમાં મુસાફરોની સંખ્યામાં અન્ય મહિનાની સરખામણીએ વધારો થયો છે. જેમાં મે માસમાં મુસાફરોની સંખ્યા ૨૦ લાખને પાર પહોંચી છે. જ્યારે એપ્રિલમાં રૂ.૧૫.૬૬ લાખ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જ્યારે મેટ્રોની આવકની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં આવક રૂપિયા ૨.૪૦ કરોડ હતી. જયારે મે મહિનામાં મેટ્રોની આવકમાં ૭૬ લાખના વધારા સાથે ૩. ૧૬ કરોડને પાર પહોંચી છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં કુલ ૩૫ લાખ પેસેન્જરોએ મુસાફરો વધતા આવક ૫.૫૦ કરોડ થઈ છે.
એપ્રિલની સરખામણીએ મે મહિનામાં મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં ૨૨ ટકાનો વધારો નોંધાયો છે. મહત્ત્વનું છે કે અમદાવાદમાં આઇપીએલની કુલ ૧૦ પૈકી રિઝર્વ ડે સાથે ૬ મેચ ફક્ત મે મહિનામાં જ રમાઈ હોવાથી મેટ્રોમાં પેસેન્જરોમાં વધારો થયો છે જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ હતી. ત્યારે રવિવારે અમદાવાદ મેટ્રોમાં રેકોર્ડ ૧,૦૭,૫૫૨ મુસાફરોએ પ્રવાસ કર્યો . અમદાવાદ મેટ્રોએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ સિંગલ-ડે ફૂટફોલ રેકોર્ડ કર્યો હતો.જ્યારે શહેરમાં ભારે વરસાદના કારણે મેચ સોમવાર રમાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૨૦૨૩ની આઇપીએલ ક્રિકેટ મેચોએ અમદાવાદ મેટ્રોની દૈનિક મુસાફરીમાં લગભગ ૮૦ ટકાનો વધારો કર્યો હતો.
અમદાવાદ શહેરમાં હાલ સફળતાપૂર્વક સંચાલિત મેટ્રો ટ્રેન સેવાનો વધુ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં વાલ ગામથી થલતેજ અને એપીએમસી વાસણાથી મોટેરા સુધી ચાલી રહેલી મેટ્રો ટ્રેન સેવા થલતેજ ગામ સુધી લંબાવવા માટે કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષના અંત સુધીમાં શહેરમાં ત્રણ નવા સ્ટેશનો મેટ્રો નેટવર્કમાં ઉમેરવામાં આવે તેવી શકયતા છે.
જેમાં ટ્રાફિકની દૃષ્ટિએ મહત્ત્વના કાંકરિયા અને સાબરમતી સ્ટેશનને પણ ઉમેરવામાં આવશે. જેમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ત્રણ નવા મેટ્રો સ્ટેશન- કાંકરિયા, થલતેજ ગામ અને સાબરમતીનું બાંધકામ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર હતું કે વર્ષ ૨૦૨૪ માં આવનારી લોક્સભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલ કોર્પોરેશન આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કાર્યરત છે.
જેમાં નવા ઉમેરવામાં આવી રહેલા બે સ્ટેશન કાંકરિયા અને સાબરમતી ટ્રાફિકની દૃષ્ટિએ પણ મહત્ત્વના છે. કાંકરિયા એક પ્રવાસન સ્થળ છે અને સાબરમતી સાબરમતી રેલ્વે સ્ટેશન અને અન્ય પરિવહન સેવાઓ સાથે જોડાયેલ છે. આ ઉપરાંત સાબરમતી નજીક જ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન પણ આકાર પામી રહ્યું છે. જેના પગલે મેટ્રોને બુલેટ ટ્રેનની કનેકટીવીટી સાથે જોડવામાં આવશે. અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનમાં હાલ મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. તેમજ આ નવા ત્રણેય સ્ટેશન શરૂ થયા મુસાફરોની સંખ્યામાં વધુ વધારો થવાનું અનુમાન છે.
જ્યારે બીજી તરફ અન્ય શહેરોમાં ચાલી રહેલી મેટ્રોના ટ્રેનમાં મુસાફરીના આંકડા પર નજર કરીએ તો જણાશે કે દિલ્હીમાં દરરોજ અંદાજે ૨૫ લાખ લોકો મુસાફરી કરે છે. જેમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરો ૨૭ મે ૨૦૧૯ના રોજ ૫૫ લાખ નોંધાયા હતા.દિલ્હી મેટ્રો દિલ્હી અને તેની આસપાસના શહેરો ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા અને બહાદુરગઢને સેવા આપે છે. તેનાનેટવર્કમાં ૧૦ કલર-કોડેડ લાઈનોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫૫ સ્ટેશનો છે અને તેની કુલ લંબાઈ ૩૪૮.૧૨ કિલોમીટર છે. જે ભારતની સૌથી મોટી અને સૌથી વ્યસ્ત મેટ્રો રેલ સિસ્ટમ છે અને ત્યાર બાદ બીજી સૌથી જૂની મેટ્રો રેલ સિસ્ટમ છે.દિલ્હી મેટ્રો દરરોજ ૨,૭૦૦ થી વધુ ટ્રિપ્સ ઓપરેટ કરે છે જે સવારે ૦૫:૩૦ વાગ્યે શરૂ થાય છે અને રાત્રે ૧૧.૩૦ વાગ્યે સુધી કાર્યરત રહે છે.