મેર્સ્ક મહેસાણામાં ૧૧૩ કરોડના ખર્ચે કોલ્ડ ચેઇન એકમ સ્થાપશે

અમદાવાદ, ડેનિશ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની એપી મોલર-મેર્સ્ક મહેસાણામાં નવી કોલ્ડ ચેઇન એકમ સ્થાપી રહી છે. કંપની ગુજરાત સ્થિત ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ ઉત્પાદક હાયફન ફૂડ્સ માટે ૨.૬ લાખ ચોરસ ફૂટ જગ્યામાં બનાવવામાં આવશે. ગુરુવારે શિલાન્યાસ સમારોહ યોજાયો હતો, સૂત્રોએ જણાવ્યું હતું.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેર્સ્ક નાશવંત ફ્રોઝન પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો માટે તાપમાન-નિયંત્રિત સ્ટોરેજ સોલ્યુશન્સ પ્રદાન કરવા પ્રોજેક્ટમાં રૂ. ૧૧૩ કરોડનું રોકાણ કરશે.

મેર્સ્ક સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમારી નવી સુવિધા ગ્રાહકની આવશ્યક્તાઓને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ રેકિંગ સિસ્ટમ અને ઓપરેશનલ સચોટતાની ખાતરી કરવા માટે આધુનિક ટેક્નોલોજી સાથે તાપમાન અનુપાલનના ઉચ્ચતમ ધોરણોથી સજ્જ હશે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બાજુમાં હાયફન ફૂડ્સે તાજેતરમાં રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર મુજબ, કંપની તેની ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ ઉત્પાદન ક્ષમતાને ૫ લાખ મેટ્રિક ટન સુધી વિસ્તારવા માટે રૂ. ૧,૧૦૦ કરોડનું રોકાણ કરશે.