મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી ગેરહાજર શિક્ષકોને લઈને ભારે ઉહાપોહ પછી તંત્ર જાગ્યું છે. તંત્રએ લાંબા સમયથી ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી કરવા માંડી છે. મહેસાણામાં તંત્રએ પોતે આ પ્રકારના શિક્ષકો સામે જાગી ગયું હોવાનો પુરાવો આપતા બે શિક્ષકોને બરતરફ કર્યા છે.
બહુચરાજીના જેતપુર ગામની શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાથમિક શાળાની શિક્ષિકા પાયલ રાવલને બરતરફ કરવામાં આવ્યા છે. પાયલબેન લાંબા સમયથી વિદેશ સ્થાયી થયા છે. તેમને હાજર થવા માટે વારંવાર નોટિસ આપવા છતાં તે હાજર થયા ન હતા. તેના પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વડનગરના રાજપુર ગામના શિક્ષક પણ બરતરફ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષક નિલેશ ગજ્જરને બરતરફ કરવામાં આવ્યા હતા. તેઓને પણ વારંવાર નોટિસ આપવામાં આવતા હોવા છતાં તે હાજર ન થતાં તેમને રતરફ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા એવા શિક્ષકો મળ્યા હતા કે શાળાઓમાં ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અનેક શિક્ષકોની પોલંપોલ ખૂલી ગઈ હતી. ભારે હોબાળો થતાં શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય હતી. જોકે, હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે પણ કમર ક્સી છે.