મેરઠ, દૂરદર્શન પર પ્રસારિત થતી લોકપ્રિય સિરિયલ ’રામાયણ’માં શ્રી રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલે મંગળવારે મેરઠ લોક્સભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન ગોવિલ સાથે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા.
મૌર્યએ પત્રકારોને જણાવ્યું હતું કે, અરુણ ગોવિલ જીએ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. આજે અહીં કાર્યકરો અને જનતામાં જબરદસ્ત વિશ્ર્વાસ છે કે ભાજપ ઉત્તર પ્રદેશની તમામ ૮૦ બેઠકો અને સમગ્ર દેશમાં ૪૦૦ બેઠકો જીતવાનો લક્ષ્યાંક હાંસલ કરશે.
તેઓ કઇ પાર્ટીને બીજેપીના પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે તેવા સવાલ પર મૌર્યએ કહ્યું કે અમારા મતે હરીફાઈમાં કોઈ નથી.તેમણે દાવો કર્યો, ક્યાંય વિરોધ નથી. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. અમારી તૈયારી ૨૦૨૪ થી ૨૦૪૭ સુધીની છે.
આ અવસર પર અરુણ ગોવિલે કહ્યું કે તેઓ તેમના પર વિશ્ર્વાસ કરવા અને તેમને મેરઠથી ઉમેદવાર બનાવવા માટે ભાજપ નેતૃત્વનો આભાર માનવા માંગે છે. તેમણે કહ્યું કે તેમને મોટા પાયે જનતાનું સમર્થન મળી રહ્યું છે.