મેંગલુરૂ,
કર્ણાટકના મેંગલુરુમાં શનિવારે રિક્ષામાં થયેલા વિસ્ફોટમાં આતંકી એંગલ સામે આવ્યો છે. કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદે રવિવારે જણાવ્યું કે, આ સામાન્ય વિસ્ફોટ નથી, પરંતુ આતંકી હુમલો છે. તેમણે કહ્યું કે, વિસ્ફોટમાં વધારે નુક્સાન નથી થયું, પરંતુ મોટું નુક્સાન પહોંચાડવાના ઈરાદે આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે.
મેંગલુરુમાં શનિવારે સાંજે લગભગ ૫ વાગ્યે એક રિક્ષામાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ રવિવારે કહ્યું હતું કે, આશંકા વર્તાઈ રહી છે કે આ આતંકી ઘટના છે. રાજ્ય પોલીસ હવે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ઝીણવટભરી તપાસ કરશે. વિસ્ફોટ પછી, પોલીસ આરોપીઓ વિરુદ્ધ પુરાવા શોધવા માટે ઓટોરિક્ષાની તપાસ કરી રહી છે.
મેંગલુરુમાં કાંકનાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ સાંજે ૫ વાગ્યે રિક્ષામાં આગ લાગી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય કે એક ઈમારત પાસે કામ ચાલી રહ્યું છે. ત્યાં એક રિક્ષા રોકાય છે અને તેમાં જોરદાર વિસ્ફોટ થાય છે. કર્ણાટક સરકારે આતંકી હુમલાની તપાસમાં કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાનું કહ્યું છે.
સૂત્રો અનુસાર, એક યાત્રીએ રિક્ષામાં બેગ મૂકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેગમાં વિસ્ફોટક સામગ્રી એટલે કે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. પોલીસે શરૂઆતી નિવેદનમાં કહ્યું હતું કે ઘટનાની તપાસ કરી રહ્યા છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી.