મેંગલુરુમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે લોકોને ઉડાવ્યા:એક મહિલાનું મોત, ચાર ઘાયલ

કર્ણાટકના મેંગલુરુમાં એક કાર સવારે ફૂટપાથ પર ચાલતા પાંચ લોકોને ટક્કર મારી હતી. આ ઘટના બુધવારે સાંજે 4 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું કે કાર કમલેશ બલદેવ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. તેની સામે બેદરકારીના કારણે મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.

અકસ્માતનો વીડિયો નજીકના સીસીટીવીમાં કેદ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મન્નાગુડા જંકશન પાસે ઘણા લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા હોય છે. ત્યારે પાછળથી એક સફેદ રંગની પુર ઝડપે આવી રહેલી કારે લોકોને ઉડાવ્યા હતા.

કાર પહેલા ત્રણ-ચાર મહિલાઓને ટક્કર મારે છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાઓ કેટલાય ફૂટ હવામાં ઉછળીને પડે છે. આ પછી કાર આગળ વધુ બે લોકોને કચડી નાખે છે.

આ પછી, કાર રસ્તાના કિનારે એક પોલ સાથે અથડાયા પછી દિશા બદલે છે. ડ્રાઇવર કારને રસ્તા પર લાવે છે જ્યાં તે ફરીથી એક વ્યક્તિને ટક્કર મારીને ભાગી જાય છે.

મૃતક મહિલાની ઓળખ 23 વર્ષીય રૂપાશ્રી તરીકે થઈ છે. ચાર ઘાયલોમાંથી ત્રણ સગીર છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળેથી ભાગ્યા બાદ કમલેશ બલદેવ કારના શોરૂમની સામે પોતાની કાર પાર્ક કરીને પોતાના ઘરે ભાગી ગયો હતો.

મહારાષ્ટ્રના ધુલેમાં ત્રણ મહિના પહેલા એક મોટો અકસ્માત થયો હતો. મુંબઈ-આગ્રા હાઈવે પર બ્રેક ફેઈલ થવાને કારણે એક કન્ટેનર એક હોટલમાં ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં કન્ટેનરે 38 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 10ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પુરપાટ ઝડપે ચાલતું કન્ટેનર તેની આગળ ચાલી રહેલી એક કારને ટક્કર મારીને રસ્તાની બાજુમાં આવેલી એક હોટલમાં ઘૂસી જાય છે.