લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવી ગયા છે. પીએમ મોદી અને બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે અને આગામી દિવસોમાં ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આ બધાની વચ્ચે, પીએમ મોદીને વૈશ્વિક નેતાઓ તરફથી પણ અભિનંદન મળવાનું શરૂ થઈ ગયું છે, જેમાં મિત્ર દેશોના રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો પીએમ મોદીને તેમની શુભેચ્છા સંદેશ મોકલી રહ્યા છે.
વાસ્તવમાં, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઠ પર લખ્યું કે ૨૦૨૪ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએને અભિનંદન. તેમને કહ્યું કે હું બંને દેશોની સહિયારી સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું.
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણેે એકસ પર લખ્યું કે નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે શુભેચ્છા. તે નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવાનું ચાલુ રાખીશું અને આપણા રાષ્ટ્રો અને આપણા લોકોની સુખાકારી સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું.
આ સિવાય પાડોશી દેશ ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું કે તેઓ ભારત સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ મારા મિત્ર વડાપ્રધાન મોદી અને એનડીએને અભિનંદન. તે ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે એનડીએની જીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો છે. શ્રીલંકા, તેના સૌથી નજીકના પાડોશી તરીકે, ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે.