ગરીબોના પેટ સુધી પહોંચે તે પહેલા જ સરકારી તુવેર દાળનો જથ્થો સડી ગયો હોવાની ઘટના મહેસાણામાં સામે આવી છે. મહેસાણામાં એક બે ટન નહીં પરંતુ ૪૭ ટન તુવેરદાળનો સરકારી જથ્થો અનાજના ગોડાઉનમાં સડી ગયેલી હાલતમાં પડ્યો છે. જેમાંથી બાર ટન જેટલો જથ્થો વિતરણ પણ થઈ ચૂક્યો છે. જેમાંથી સસ્તા અનાજની દુકાનમાં સડેલી તુવેરદાળનું પણ વિતરણ કેટલીક જગ્યાએ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાના ગોઝારીયામાં સસ્તા અનાજની દુકાનમાં પડેલો તુવેર દાળનો જથ્થો સડી ગયેલી હાલતમાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તેમજ વ્યક્તિએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે થકી સ્થળ પર હકીક્તની તપાસ કરતા રાશનમાં આપવામાં આવતો દાળનો જથ્થો અનેસરકારી શાળામાં મયાન ભોજનમાં પણ આપવામાં આવતા સરકારી દાળના જથ્થાના પેકેટમાં દાળની હાલત ખરાબ એટલે કે પાવડર બની ગઈ હતી. તો તુવેરદાળમાં ધનેરા પણ પડી ગયા હતા.
જોકે આ માત્ર સસ્તા અનાજની દુકાનની જ વાત નથી. આગળ જતાં મહેસાણાના મુખ્ય સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લેતા ત્યાં પડેલો ૪૭ ટન જેટલો સરકારી તુવેરદાળનો જથ્થો સડેલી હાલતમાં હતો. તેમજ દાળના કટ્ટામાંથી પાવડર દેખાતો હતો અને દાળના કટ્ટા પર નકરા જીવડા એટલે કે ધાનેરા પડેલા બહારથી જ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
આ મામલે ગોડાઉન સંચાલક જીતુભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે બે મહિના અગાઉ જથ્થો સારો આવ્યો હતો. સેમ્પલ પણ પાસ થયું હતું. જોકે બાદમાં પડ્યો પડ્યો જથ્થો ખરાબ થયો હશે અને બીજી વાર સેમ્પલ ફેલ આવ્યું છે. સેમ્પલ ફેલ આવતા જથ્થો વિતરણ કરવાનું બંધ કરી દેવાયું છે અને મિલરને આ જથ્થો પરત લઈને નવો જથ્થો મોકલવા પુરવઠા અધિકારી દ્વારા પણ જણાયું હતું.
આ સમગ્ર મામલે મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરતા તેઓએ નિવેદન કર્યું હતું કે ગોઝારીયાનો મામલો સામે આવતા તરત ટીમ રવાના કરી તપાસ શરૂ કરી દેવાય છે. તો ખરાબ જથ્થો અમે વિતરણ થતો તરત અટકાવ્યો હોવાનો પુરવઠા અધિકારીએ નિવેદન કર્યું હતું. જિલ્લાના ૧૦ સરકારી અનાજના ગોડાઉનમાં તપાસના આદેશ કરાય છે. આમ મહેસાણાના ગોડાઉનમાં તુવર દાળ સડેલી, પાવડર વાળી અને ધાનેરા વાળી નીકળતા તપાસનો આદેશ કરી દેવાયો છે.
જિલ્લા પુરવઠા અધિકારીએ બી મંડોરી દ્વારા તપાસના આદેશ સાથે મહેસાણા સિવાય અન્ય ગોડાઉનમાં પણ તપાસના આદેશ કરાયા છે. જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ મહેસાણા ગોડાઉનમાં ૫૩ ટન દાળનો જથ્થો બે મહિના અગાઉ આવ્યો હતો. હાલમાં ૪૭ ટન જથ્થો સડેલી હાલતમાં પડ્યો છે, ખરાબ દાળ વિતરણ કરવામાં નહિ આવે. સેમ્પલ ફેલ જતા ડિલરને જથ્થો બદલવા જાણ કરી દેવાઈ છે.
આમ હવે સવાલ થાય છે કે બે મહિના સુધી તુવેર દાળનો જથ્થો સરકારી ગોડાઉનમાં પડ્યો સડી જાય છે. તંત્ર કહે છે કે દાળનો જથ્થો બગડેલો આવ્યો ન હતો, પરંતુ બે મહિના પડ્યો રહ્યો અને ફિમીગ્રેશન પણ કરાયું હોવાનું ગોડાઉન મેનેજર એ નિવેદન કર્યું હતું. ત્યારે આટલી પ્રક્રિયા કરાવી છતાં તુવેરદાળનો જથ્થો બગડ્યો કેવી રીતે તે તપાસનો વિષય છે. એક તરફ ગોડાઉન મેનેજર અને પુરવઠા અધિકારી જણાવે છે કે જથ્થો વિતરણ કરાયો નથી તો બીજી તરફ ગોઝારીયામાં સસ્તા અનાજની દુકાન સંચાલક નિવેદન કરે છે કે બે મહિનાથી જથ્થો આવીને પડ્યો છે બદલવાનું કહ્યું છે પણ હજુ બદલાયો નથી. જેના કારણે કોઈ રાશન કાર્ડ ધારક દાળ માંગે તો તેને જાણ કરીને આપી પણ દઈએ છીએ.