વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો. દરમિયાન સિવિલમાં કોલેજના ટ્ર્સ્ટીને બદલે કોલેજના 2 પ્રતિનિધિ ત્યાં પહોંચતા વિદ્યાર્થીઓ સહિતનાએ બંનેને મારવા લીધા હતા. જેથી બંને મુઠ્ઠીવાળીને ભાગ્યા હતા. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
ગઈકાલે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીએ પ્રોફેસરોના કથિત ત્રાસને કારણે ગઈકાલે (29 જાન્યુઆરીએ) આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે કોલેજના આચાર્ય સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.
આ ઘટનાના વિરોધમાં આજે કોલેજના વિદ્યાર્થીઓએ રેલી યોજી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને ન્યાયની માગ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ મહેસાણા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર એકત્રિત થયા હતા, જ્યાં ઉર્વશીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દીકરીનો મૃતદેહ લઈ પોતાના વતન જવા રવાના થયા હતા.
પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે મર્ચન્ટ કોલેજના ટ્રસ્ટીઓને બદલે માત્ર બે પ્રતિનિધિઓ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર થયા. આક્રોશિત વિદ્યાર્થીઓએ આ પ્રતિનિધિઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને પગલે તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા. પોલીસે વચ્ચે પડી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને પ્રતિનિધિઓને સુરક્ષિત રીતે ત્યાંથી રવાના કર્યા. સ્થિતિ વધુ બિચકે નહીં તે માટે વિદ્યાર્થીઓને પણ સિવિલ કેમ્પસ છોડવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ પાંચ સામે ફરિયાદ નોંધાઇ
- પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વાસનીક
- પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ
- પ્રોફેસર વાય ચંન્દ્રા બોસ
- પ્રોફેસર ડો.સંજય રીથે
- પ્રિન્સીપાલ ડો.કૈલાશ જીંગા પાટીલ
(તમામ રહે- હાલ બાસણા મરચન્ટ કોલેજ તા.વિસનગર જી-મહેસાણા) વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કલમ ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 108,54 તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાવી છે.
BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હોસ્ટેલની રૂમમાં આપઘાત કર્યો વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળી (ઉં.વ.19)એ હોસ્ટેલમાં પોતાની રૂમમાં આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે, સાથે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર ફેલાતાં જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, સાથે જ કોલેજમાં તોડફોડ કરી છે. આપઘાતના પગલે કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ કરી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી. મળતી માહિતી પ્રમાણે, નોવેલ સરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રિન્સિપાલ દ્વારા થોડા દિવસ માટે રજા મૂકી દેવામાં આવી છે, જેથી નોવેલ સર સસ્પેન્ડ થતાં હાલ સમગ્ર મામલો થાળે પડે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુનાં કારણો અંગે તપાસ ચાલી રહી છે. કોલેજના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે અને તેઓ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી શાંત નહીં બેસે.
વિદ્યાર્થિનીની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. વિદ્યાર્થિનીએ આપઘાત કરતાં વિદ્યાર્થીઓમાં આક્રોશ છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલ તેમજ કોલેજમાં ટોર્ચર કરવામાં આવતા હોવાના પણ આપેક્ષો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે શિક્ષક દ્વારા ટોર્ચર કરવામાં આવે છે તેને સસ્પેન્ડ કરવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થિનીના આપઘાતના પગલે વિદ્યાર્થીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે. હોસ્ટેલમાં પ્રાઇમરી કિટ મૂકવામાં આવે, હોસ્ટેલમાં રેક્ટરની હાજરી રાખવામાં આવે. વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવે છે, જે મામલે નોવેલ સરને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માગ કરવામાં આવી છે. જર્નલ દસ-દસ વખત લખવા માટે આપે છે. વિદ્યાર્થિનીઓને સુરક્ષા પૂરી પાડો. બીમાર વિદ્યાર્થી માટે હોસ્ટેલમાં રેસ્ટ રૂમ બનાવવામાં આવે. જમવાની વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે.