મહેસાણાના વડનગરની શિક્ષિકાએ ૧૦ વર્ષીય વિદ્યાર્થીની ને સોટીથી માર મારતા ફરિયાદ દાખલ,

મહેસાણા,

મહેસાણાના વડનગરમાં શિક્ષિકાએ ૧૦ વર્ષીય વિદ્યાર્થીનીને સોટીથી માર મારતા વિવાદ સર્જાયો છે. ૨૩ ફેબ્રુઆરીના રોજ વડનગરના ઊર્જા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ ગણિતનો દાખલો ખોટો ગણ્યો હોવાના કારણે શિક્ષિકા તન્વી પટેલે વિદ્યાર્થીનીને થાપા પર સોટીઓ મારી હોવાનો આક્ષેપ થયો છે. માર મારવાને કારણે વિદ્યાર્થીનીને પગમાં લાલ ચાંભા પડી ગયા હતા. સમગ્ર મામલે વિદ્યાર્થીનીના વાલીએ ઊર્જા વિદ્યાલયના શિક્ષિકા તન્વી પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તો બીજી તરફ સ્કૂલે શિક્ષિકા તન્વી પટેલ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. શાળાના સંચાલકોએ જણાવ્યું કે શિક્ષિકાએ કોઇ ખોટા હેતુ કે ઇરાદા સાથે વિદ્યાર્થીનીને માર નહોતો માર્યો. તેમ છતાં તપાસ દરમ્યાન જો તેઓ ક્સૂરવાર ઠરશે તો તેમની વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે.

આ અગાઉ રાજકોટની ધ રોયલ સ્કૂલની જયાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીનીને અપશબ્દો બોલવાની સાથે માર મારવા લાગ્યા હતા. જોકે શિક્ષકની આ કરતૂત CCTV માં કેદ થઈ હતી.

થોડા દિવસ અગાઉ વડોદરાના સમામાં આવેલી નૂતન વિધાલયમાં વિધાર્થીને માર મારવાની ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી. આ ઘટનામાં પોલીસે મોટી કામગીરી કરતા શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે શિક્ષકે ધોરણ-૯ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને નાક અને કાનમાં ઇજા થઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.