મહેસાણાના જોટાણામાં કોરોનાગ્રસ્ત ૩ વર્ષીય બાળકનું નીપજ્યુ મોત

મહેસાણા,

મહેસાણાના જોટાણામાં કોરોનાગ્રસ્ત ૩ વર્ષીય બાળકનું મોત નીપજ્યુ છે. બાળકને લીવરની બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં બાળકનું ઓપરેશન કરવાનું હતુ. ઓપરેશન પહેલા બાળકનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદ બાળકનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઓપરેશન બાદ બાળકનું મોત નીપજ્યુ હતુ. તેના મોત બાદ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જ્યારે બીજી તરફ મહેસાણાની એક યુવતીનો પણ એચ૩એન૨ ઈન્લુએન્ઝા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી ગાંધીનગર સામાજિક કામ માટે ગઈ હતી. ત્યારબાદ તેનો ઈન્લુએન્ઝાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે યુવતીની તબિયત સ્થિર જણાતા તેને સારવાર બાદ રજા અપાઈ હતી.

આ તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. કોરોના કેસ વધતા તંત્ર પણ સતર્ક થઈ ગયુ છે. હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર રાખવામા આવ્યા એ. હાલ રાજ્યમાં ૪૩૫ કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી માત્ર અમદાવાદમાં જ ૨૩૦ એક્ટિવ કેસ છે. રાજ્યમાં છ મહિના બાદ પ્રથમવાર કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાના ૧૧૯ કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં ૬૨ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે રાજકોટ અને સુરત શહેરમાં ૧૦-૧૦ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ૪ દર્દી હાલ વેન્ટીલેટર પર છે. છેલ્લા એક જ સપ્તામાં કોરોનાના ત્રણ ગણા કેસ વધ્યા છે.