મહેસાણાના અધિકારીઓની જાસૂસીકાંડ મામલો, ૨ શખ્શોની ધરપકડ કરી

મહેસાણા, મહેસાણા જિલ્લાના સરકારી અધિકારીઓની જાસૂસી કરવાના મામલે પોલીસે કડી તાલુકાના બે શખ્શોને ઝડપ્યા છે. બંને શખ્શો વ્હોટસેપ ગૃપ મારફતે જાસૂસીની વિગતો મોકલતા હતા. અલગ અલગ ગૃપ બનાવીને તેના દ્વારા અધિકારીઓની તમામ વિગતો અને તેમના લોકેશનની વિગતો શેર કરવામાં આવતી હતી. મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કડી વિસ્તારમાં આવેલા કુંડાળ ગામના બે શખ્શોની ધરપકડ કરી છે. જે બંને શખ્શોની પોલીસે હવે ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે. જેના થકી હજુ વધુ વિગતો બહાર આવે એવી શક્યતા છે અને સાથે જ અન્ય શખ્શોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. જે શખ્શો ખાણ ખનીજ, આરટીઓ અને પોલીસ સહિત અન્ય અધિકારીઓની જાસૂસી ખનીજ માફિયાઓ માટે કરતા હતા.

કડીના કુંડાળા ગામના રહેવાસી બે શખ્શો દિનેશ નેતાજી વણઝારા અને સંજય રમેશભાઈ વણઝારાની ધરપકડ કરવામાં આવી છે. જે બંને આરોપીઓ વ્હોટસેપ ગૃપના એડમિન હતા. તેઓ પાંચ અલગ અલગ ગૃપ બનાવીને તેના થકી તેઓ અધિકારીઓની જાસૂસીની વિગતો શેર કરવામાં આવતી હતી. જેમાં ખાસ કરીને સૌથી વધારે નજર ખાણ ખનિજના અધિકારીઓ પર રાખવામાં આવતી હતી. ગૃપમાં મોટે ભાગે વાહન દીઠ પૈસા માસિક ધોરણે વસૂલવામાં આવતા હોવાની આશંકાએ તપાસ શરુ કરાઈ છે.

અધિકારીઓ પર જાસૂસી કરવા માટે પગારદાર માણસો રાખવામાં આવતા હતા અને તેમને અલગ અલગ અધિકારીઓ અને તેમની ગાડીઓ પર નજર રાખવા માટેનું કામ સોંપવામાં આવતુ હતુ. પોલીસ હવે આ જાસૂસી નેટવર્કના ખબરીઓ કે જે ઓનલાઈન મેસેજ રેકી કરીને શેર કરતા હતા એમની પણ એક બાદ એક ધરપકડ કરી શકે છે. આ ઉપરાંત તે જે લોકો જાસૂસી વિગતો મેળવવાના પૈસા ચૂકવતા હતા એવા લોકોની પણ ઓળખ કરવાની કાર્યવાહી શરુ કરાવમાં આવી છે. ખાણ ખનીજ વિભાગે મોટો ડેટા એકઠો કરીને પોલીસને આપ્યો છે. જેના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.