મહેસાણામાં વસાઇ પાસે એસટી બસ અને આઇસર વચ્ચે અકસ્માત બસમાં સવાર મહિલાનું મોત

મહેસાણા : સલામતી અને સુરક્ષાના સૂત્ર સાથે ચાલતી એસટી બસનો અકસ્માત સર્જાયો છે. મહેસાણા જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા એસટી બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. રોડ પર બંધ પડેલા આઇસર સાથે એસટી બસ અથડાઇ ગઇ હતી. બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એસ ટી બસ અને આઇસર વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે સવાર મુસાફરોને બસનો દરવાજો કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ST બસના અવારનવાર અકસ્માત જોતા એવું લાગી રહ્યું છે. જાણે આ સલામતી અને સુરક્ષાની નહીં પણ જોખમી અને મોતની સવારી છે.