મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની ઠગાઈનો કિસ્સો બન્યો છે. મહેસાણાની શુભ ઓવરસીઝના સંચાલકો સામે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શુભ ઓવરસીઝના સંચાલકોએ ત્રણ વિદ્યાર્થી પાસેથી સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા.
આ અંગે થયેલી પોલીસ ફરિયાદ મુજબ હિંમતનગરમાં રહેતા નરેન્દ્ર પટેલના પુત્રને વધારે અભ્યાસ માટે વિદેશ જવાનું હોવાથી તેમણે તેમના સંબંધી વિમલકુમારને વાત કરી હતી. વિમલકુમાર થકી નરેન્દ્ર પટેલ વિજાપુરના ટી.બી. રોડ પર આવેલા શુભ ઓવરસીઝના સંચાલકોના સંપર્કમાં આવ્યા હતા.
શુભ ઓવરસીઝના સંચાલકોએ તેમને ખાતરી અપાવી હતી કે તેઓ ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝા તેમના પુત્રને અપાવી દેશે. તેમણે ૨૫થી ૩૦ લાખ રૂપિયામાં સ્ટુડન્ટ વિઝા અપાવી દેશે તેવી ખાતરી આપી હતી. શુભ ઓવરસીઝના સંચાલકોએ ટોફેલની પરીક્ષા પાસ કરાવવા અને વિઝો પ્રોસેસ જેવા કારણો આગળ ધરીને નરેન્દ્ર પટેલ પાસેથી કટકે-કટકે ૨૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા.આટલી રકમ આપ્યા છતાં પણ વિઝાની પ્રોસેસ આગળ ન વધતાં નરેન્દ્ર પટેલે પોતાના સંબંધી વિમલકુમારને વાત કરી હતી. તેમને ત્યાં જાણવા મળ્યું હતું કે આ ઠગ ટોળકીએ વિઝાના બ્હાને તેમને પણ છેતર્યા છે. આથી નરેન્દ્ર પટેલે શુભ ઓવરસીઝના સંચાલકોને ફોન કરતા તેમના ફોન સ્વિચ ઓફ આવતા હતા. તેથી વધારે તપાસ કરતાં ઠગ ટોળકીએ ફક્ત તેમને જ નહીં સ્ટુડન્ટ વિઝાના બ્હાને મિલન રાવલ પાસેથી ૨૦ લાખ અને અમન પટેલ પાસેથી નવ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
તેના પગલે નરેન્દ્ર પટેલે વિજાપુર પોલીસમાં શુભ ઓવરસીઝના સંચાલકો સુહાગ પટેલ, રાકેશ પટેલ અને મિત પટેલ, રવિ અને કેતન બારોટ સામે કેસ દાખલ કરીને ગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.