મહેસાણામાં રાજકીય સભામાં પોકેટચોરના કારસ્તાનના પર્દાફાશ થયો છે.જીઆઇડીસી હોલમાં ભાજપનો કાર્યક્રમ હતો અને અનેક કાર્યકરો ભેગા થયા હતા. આ રાજકીય સભામાં વધુ ભીડ હતી. જેનો લાભ એક પોકેટચોર લઈ રહ્યો હતો. પોકેટચોર રાજકીય સભામાં એકત્ર થયેલ ભીડનો લાભ લઈ મોબાઈલ અને પર્સની ચોરી કરતો હતો. આ ચોર રંગેહાથ ઝડપાતા લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો અને પછી પોલીસને હવાલે કર્યો.
હોલમાં ચાલતી રાજકીય સભામાં પોકેટચોરે મોબાઈલ અને પાકીટની ચોરી કરતા ઝડપાયો. પોકેટચોરનું કારસ્તાન ખુલ્લુ પડતા લોકોએ પોલીસને સોંપ્યો. આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી બનાવની તપાસ કરી. બાદમાં પોલીસ પોકેટચોરની વધુ પૂછપરછ કરવા પોલીસ સ્ટેશને લઈ ગઈ. આ મામલે હજુ પોલીસ પ્રાથમિક તપાસ કરી રહી છે. પોકેટચોર વિરુદ્ધ હાલમાં કોઈ ગુનો નોંધાયો નથી. તપાસમાં કોઈ મોટી માહિતી સામે આવવા પર સંભવત પોલીસ કાર્યવાહી કરી શકે.
મહત્વનું છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને દિગ્ગજ નેતાઓના પ્રચારમાં ભીડ ભેગી કરાય છે અથવા તો થાય છે. પરંતુ આ ભીડનો ભાગ બનનારાએ આવા પોકેટચોરથી સાવધ રહેવું જોઈએ. નહીંતર તેમના મોબાઈલ ફોન અથવા તો પોકેટની ગમે તે સમયે ચોરી થઈ શકે છે. આવી રાજકીય સભા હોય અથા તો કોઈપણ જાહેરસ્થળ હોય નાગરીકોએ પોતાની કિમંતી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.