મહેસાણામાં રેલ્વે સ્ટેશનની સામે ૧૬ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ

મહેસાણા, મહેસાણામાં ૧૬ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. રેલ્વે સ્ટેશનની સામે આવેલા ખ્યાતિ ગેસ્ટ હાઉસમાં આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. લિંચ ગામના મહેશ ઠાકોરે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતુ. મહેશ ઠાકોર દુષ્કર્મ આચરીને અટકી ગયા ન હતા, પણ તેણે સગીરાને વિશ્વાસ માં લઈને તેની સાથેની અંગત પળોના બિભત્સ ફોટા લીધા હતા અને તેના વિડીયો પણ બનાવ્યા હતા.

લગભગ મહિના સુધી આ પ્રકારની સ્થિતિ ચાલતા સગીરા કંટાળી ગઈ હતી અને તેણે તેની માતાને ફરિયાદ કરી હતી. તેની માતાએ છેવટે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તેની સાથે સગીરા અને આરોપી જે ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ગેસ્ટહાઉસમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય અને આ રીતે સગીરાને લઈને યુવક અંદર ગયો હોઈ પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર, કર્મચારી અને માલિકની પણ પૂછપરછ આદરી છે. તેઓ કઈ-કઈ તારીખે સ્ટેશન સામેના ગેસ્ટ હાઉસમાં ગયા હતા તેની જાણકારી મેળવવા માટે પોલીસે ગેસ્ટ હાઉસનું રજિસ્ટર કબ્જે લીધું છે. જો કે પોલીસ માને છે કે તેમણે રજિસ્ટરમાં તો ખોટા નામ અને સરનામાની જ નોંધણી કરાવી હશે.

તેથી પોલીસે ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે લીધા છે. તેના આધારે પોલીસ તેઓ કઈ તારીખે ત્યાં ગયા અને કેટલો સમય રોકાયા તે બધુ લેશે. તેના પગલે પોલીસને આરોપી સામેનો મોટો પુરાવો પણ મળી જશે, આ સીસીટીવી ફૂટેજ આરોપી સામે આગળ કાર્યવાહી કરવામાં મદદરૂપ નીવડશે તેમ માનવામાં આવે છે. આના આધારે પોલીસને આરોપીને ઝડપવામાં પણ સફળતા મળશે તેમ માનવામાં આવે છે.

પોલીસનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેશે. આ ઉપરાંત સગીરાની પણ તબીબી ચકાસણી કરવામાં આવશે તેમ મનાય છે. જો કે આરોપી સામે તો પોક્સો લાગશે તે નક્કી છે.