મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફૂદેડા ગામમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન મનરેગા હેઠળ કરવામાં આવેલાં અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. કૂદેડા ગામમાં ૧૪૦ જોબકાર્ડ એવાં બન્યાં હતાં કે જેઓ ક્યારેય મનરેગાના કામમાં મજૂરી ગયા ન હોવા છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા અને બારોબાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા.
કૂદેડા ગામના એક જાગૃત યુવકને પોતાના ગામમાં થયેલા મનરેગા હેઠળનાં કામોમાં ગોલમાલ થયાની શંકા પડ્યા બાદ ઓનલાઈન સાઈટ પર તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ગ્રામજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સમક્ષ રજૂઆત કરતા તંત્રએ હવે તપાસ શરૂ કરી છે. જો યોગ્ય તપાસ થાય તો, આ પ્રકારની ગેરરીતિ જિલ્લાનાં અન્ય ગામોમાંથી પણ બહાર આવી શકે તેમ છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફૂદેડા ગામમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન ગામમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ સહિતનાં અલગ અલગ કામો કરવામાં આવ્યાં હતાં. આ કામો માટે ગામના ૧૪૦ જેટલા લોકોનાં જોબકાર્ડ પણ બનાવવામાં આવ્યાં હતાં. થોડા સમય પહેલાં ગામનો જાગૃત યુવક તરુણ પટેલને જાણ થઈ હતી કે, તેના ગામમાં મનરેગામાં જે કામો થયાં હતાં તે કામ માણસો દ્વારા નહીં પણ મશીનથી કરવામાં આવ્યાં હતાં. જેથી તેને મનરેગાની સાઈટ પર જઈને તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મનરેગાની સાઈટ પર ફૂદેડા ગામના જે લોકોનાં જોબકાર્ડ બન્યાં હતાં તેઓના ખાતામાં મજૂરીનાં નાણાં પણ જમા થયાં હતાં. પરંતુ, જે તે, વ્યક્તિની મુલાકાત લઈ પૂછપરછ કરી તો તેઓને એક રૂપિયો પણ મળ્યો ન હોવાનું સામે આવ્યું હતું.
ગામના યુવાન તરુણ પટેલે જણાવ્યું હતું કે મનરેગાની ઓફિશિયલ વેબસાઈટ પર નિરીક્ષણ કર્યું અને જોયું કે, મનરેગામાં અમારા ગામમાં ૧૪૦થી વધુ જોબકાર્ડ બન્યાં છે. કામ ચોપડા અને ઓનલાઈન દર્શાવાયું છે અને લોકોએ કામ કર્યું એમ દર્શાવ્યું છે. જોકે હકીક્તમાં તો અહીંયાં લોકો મારફતે મનરેગા કામ કરાવવામાં જ આવ્યું નથી. લોકોને રોજગારી નથી મળી એમ છતાં તેઓના ખાતામાં પૈસા આવ્યા છે. પણ લોકોના પૈસા બીજા જ કોઈ વ્યક્તિ એ ઉપાડી લીધા છે, જેની લોકોને જાણ પણ નથી થઈ ગુજરાતમાં આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. લોકોએ કામ નથી કર્યું એમ છતાં ઓનલાઈન અને ઓફલાઇન હાજરી પૂરી દેવામાં આવી હતી.