મહેસાણા, ગુજરાત પોલીસનો વધુ એક તોડકાંડ સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ જુનાગઢ તોડકાંડ બાદ મહેસાણાના વિસનગર પોલીસનો કથિત તોડકાંડ સામે આવ્યો છે. આ તરફ હવે પોલીસ અને આરોપી વચ્ચેની વાતનો ઓડીયો સામે આવ્યો છે. જેમાં હરીયાણાં પોલીસના નામે વિસનગર પોલીસે ૫ લાખનો કથિત તોડ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ઓનલાઇન ફ્રોડના કેસમાં વિસનગરના આરોપીને પોલીસ પકડવા આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ તરફ આરોપી પાસેથી અગાઉથી વિસનગર પોલીસે પૈસા ઉઘરાવ્યાનું આવ્યુ સામે આવતા હડકંપ મચી ગયો છે.
મહેસાણા જિલ્લાના વિસનગરમાં પોલીસના ૫ લાખના કથિત તોડકાંડના આક્ષેપને લઈ ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ વિસનગરના આથમણા ઠાકોર વાસમાં રહેતા ઠાકોર અલ્પેશજીએ વિસનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા જયસિંહ દરબાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ઠાકોર અલ્પેશજીના આક્ષેપો મુજબ ૧-૧૨-૨૦૨૩ના તેમના ભાઈ ?વિષ્ણુજી ઠાકોરને જયસિંહે ફોન કરીને કહેલ કે, તમારા કુટુંબી ભાઈ રાજેશજી ઠાકોર વિરુદ્ધ હરિયાણા પોલીસમાં કોઈ બાબતે ફરિયાદ નોંધાઈ છે. જે બાબતે તમારે સમાધાન કરવું હોય અને હેરાન ન થવું હોય તો મારે સિસોદિયા સાહેબે મને કહ્યું છે કે, જો તમો મને ૫ લાખ અપાવો તો હું મારી રીતે વહીવટ કરીને હરિયાણા પોલીસને પછી મોકલી દઇશ. આમ કહી જયસિંહ દરબારે ફરિયાદી પાસેથી ૨-૧૨-૨૦૨૩ના રોજ રાત્રે ૧૨ વાગ્યા આસપાસ ૫ લાખ લીધા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ તરફ આક્ષેપ મુજબ જયસિંહ દરબારે ફરિયાદીને વિશ્ર્વાસ અપાવ્યો હતો કે, તમારા ભાઈ સામે કોઈ કાર્યવાહી નહિ થાય અને અમારી રીતે વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાંથી સીસોદિયા સાહેબ પાસે જવાબ કરાવીને તમારા ભાઈ રાજેશજીનું નામ કાઢવી નાખીશું. આ સાથે ભવિષ્યમાં પણ જો રાજેશજીની ધરપકડ કરવા હરિયાણા પોલીસ આવે તો હું સીસોદિયા પાસેથી આ પૈસા પાછા મંગાવીને તમને પરત આપી દઇશ. જેથી ફરિયાદીને પણ વિશ્ર્વાસ આવી ગયો હતો.
આ તરફ હરિયાણા પોલીસના નામે વિસનગર પોલીસે કથિત તોડ કરી લીધા બાદ જ્યારે ખરેખર હરિયાણા પોલીસ આરોપીની ધરપકડ કરવા આવી ત્યારે આ ઘટના સામે આવી હતી. ફરિયાદીના આક્ષેપ મુજબ ૦૬-૧૨-૨૦૨૩ના રોજ હરિયાણા પોલીસ વિસનગર સિટી પોલીસ સ્ટેશને આવી અને રાજેશજીના ઘરે પહોંચી હતી. જ્યાં હરિયાણા પોલીસે કહેલ કે રાજેશજી સામે ગંભીર ગુનો નોંધાયેલ હોય તેમની ધરપકડ કરવી જરૂરી છે. જોકે ૨૬-૧૨-૨૦૨૩ના રોજ રાજેશજી હરિયાણા પોલીસમાં હાજર થવા ગયેલ. પણ આ બધાની વચ્ચે ફરિયાદીને જયસિંહે કોઈ દગો કર્યાનું ખબર પડી હતી.
આ તરફ ફરિયાદીએ ૨૯-૧૨-૨૦૨૩ણા રોજ જયસિંહને વિષ્ણુજીના મોબાઈલ પરથી વાત કરી છેતરપિંડી થઈ હોવાની વાત કરી અને ૫ લાખ પાછા માંગ્યા હતા. જોકે જયસિંહે કહેલ કે, ૨-૪ દિવસમાં સીસોદિયા સાહેબ પાસેથી પૈસા મંગાવીને પાછા આપી દઇશ. જે બાદમાં છેલ્લે ૦૯-૦૧-૨૦૨૪ના રોજ ફરિયાદી અને વિષ્ણુજી જયસિંહને મળેલ તે સમયે જયસિંહે કહેલ કે, વિસનગર શહેરમાં અમારું રાજ છે, તમને પૈસા પાછા મળશે નહિ, તમારાથી થાય તે કરી લો તમારી પાસે મને પૈસા આપ્યાના ક્યાં પુરાવા છે અને ગમે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશો તો પણ પોલીસ અમારા સ્ટાફનું જ રાખશે. આ વિસનગર પોલીસના આ કથિત તોડકાંડથી હવે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.