દેશના કેટલાક રાજ્યોમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે. પણ જ્યાં વરસાદનો સિલસિલો ચાલુ છે ત્યાં ફરીથી વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે હવામાન વિભાગે અનુમાન કર્યું છે કે ઉત્તર ભારતના રાજ્ય ઓક્ટોબરમાં સામાન્ય ગરમ રહી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશના શેષ ભાગોમાંથી પાછું ફરી ગયું છે. જ્યારે બિહાર, છત્તીસગઢ, તેલંગણા અને ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. આ બધા વચ્ચે આઈએમડીએ કહ્યું કે ’13 ઓક્ટોબર 2023થી એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.’
આ સાથે જ 11 ઓક્ટોબર સુધી તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, અને કેરળમાં વરસાદની ભવિષ્યવાણી કરાઈ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 14 અને 15 ઓક્ટોબરે કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં અલગ અલગ સ્થળો પર ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ જ્યારે કેટલેક ઠેકાણે સામાન્ય વરસાદની શક્યતા છે. આજના હવામાનની વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન કર્ણાટકના કાંઠા વિસ્તારો, ઉત્તર કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે.
પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, તમિલનાડુ, લક્ષદ્વિપ અને આંદમાન તથા નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ હિમાલય, ગોવા અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જલદી 14 ઓક્ટોબરની આજુબાજુ કોઈ પણ સમયે પહોંચી શકે છે. આ સિસ્ટમ હાલની સિસ્ટમથી વધુ મજબૂત હશે.
હવામાન ગતિવિધિનો પ્રસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો સુધી ફેલાશે. દિલ્હીમાં 15થૂ 18 ઓક્ટોબર વચ્ચે વરસાદ પડી શકે છે. અત્રે જણાવવાનું કે કેટલાક દિવસોથી દિલ્હીનું તાપમાન 32 ડિગ્રીથી વધુ રહ્યું છે.
રાજ્યમાં 14 ઓક્ટોબર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા દર્શાવવામાં આવી છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આગામી 14 તારીખ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે, તેમ છતાં કાળા ડિબાંગ વાદળો છવાશે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં લોકો કોઈ ચોક્કસ ઋતુ અનુભવી શક્તા નથી. હવે ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. ત્યારે એકસાથે ઠંડી-ગરમી, વરસાદ અને વાવાઝોડું બધુ જ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 17થી 20 ઓક્ટોબરમાં ભારે વાવાઝોડું સર્જાશે. જે 18થી 24 તારીખમાં સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે. આ વખતે અલનીનોની અસર રહેશે તો શિયાળો હુંફાળો રહેશે.
ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.
શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે.