કોહીમા,
ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો શનિવારે અંત આવ્યો હતો અને હવે બંને રાજ્યોમાં આવતીકાલે ૨૭મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, જ્યારે મત ગણતરી ૨ માર્ચના રોજ હાથ ધરાશે. મેઘાલયમાં વિધાનસભાની કુલ ૫૯ બેઠકો છે, જ્યારે નાગાલેન્ડમાં ૬૦ બેઠકો પૈકી ૫૯ પર મતદાન યોજાશે.
નાગાલેન્ડના ઝૂન્હેબોટો જિલ્લાની અકુલુતો બેઠક ભાજપના વર્તમાન ધારાસભ્ય કાઝેટો કિનિમીએ બિનહરીફ જીતી લીધી છે. મેઘાલયમાં મુખ્યમંત્રી કોનાર્જ સંગમાનો પક્ષ એનપીપી સત્તા જાળવી રાખવા માટે મેદાનમાં છે, જ્યારે સામે પક્ષે મુખ્ય વિપક્ષ ટીએમસીએ આ વખતે રાજ્યમાં સત્તા હાંસલ કરવા કમર ક્સી છે. બીજી તરફ એનપીપીના નેજા હેઠળના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (એમડીએ)માં પાંચ વર્ષ સુધી રાજ્યમાં સત્તામાં રહેલા ભાજપે આ વખતે કોઈ પણ પક્ષના જોડાણ વગર એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
નાગાલેન્ડના વર્તમાન શાસક પક્ષ નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી(એનડીપીપી) તથા ભાજપ વચ્ચે ૪૦:૨૦ની બેઠક વહેંચણીની સમજૂતી થઈ છે. એનડીપીપી-ભાજપનું જોડાણ સતત બીજી વાર રાજ્યમાં સત્તા હાંસલ કરવા મેદાને છે.