અમદાવાદ, ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અર્તગત આવેલા મેધા પાટકર પર હુમલાના કેસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના સામેની ટ્રાયલની કાર્યવાહી પડતી મૂકવાની અરજી અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફગાવી દીધી હતી. તેને પગલે સક્સેનાએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે વી.કે. સક્સેના વિરુદ્ધ ટ્રાયલ ચલાવવા સામે સ્ટે ફરમાવ્યો છે.
દિલ્હીના ઉપરાજ્યપાલ સક્સેના તરફથી રિટ અરજીમાં જણાવાયું હતું કે, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે અને તેઓ બંધારણીય હોદ્દો ધરાવે છે. તે કારણથી તેઓ કેન્દ્ર શાસિત અન્ય પ્રદેશો કરતાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે તે ગવર્નર ઓફિસથી ઉપર અને રાષ્ટ્રપતિ ભવનથી નીચેની કક્ષાનો હોદ્દો ધરાવે છે. જેથી ભારતીય બંધારણની કલમ-૩૬૧(૨) હેઠળ તેમને વિશેષ રાહત આપવામાં આવી છે. આ સંજોગોમાં તેમની વિરુદ્ધ અદાલતી કાર્યવાહી થઇ શકે નહી. ટ્રાયલ કોર્ટ બંધારણની કલમ-૩૬૧ની જોગવાઇઓ યોગ્ય રીતે વિચારણામાં લેવા અને તેનું ખરૂ અર્થઘટન કરવામાં નિષ્ફળ રહી છે, તેથી ટ્રાયલ કોર્ટનો તેમની અરજી નામંજૂર રાખવાનો હુકમ ગેરકાયદે, ભૂલભરેલો અને ગેરબંધારણીય હોઇ તેને રદબાતલ ઠરાવવો જોઇએ. ટ્રાયલ કોર્ટને તેમની સામે કેસ ચલાવવાની સત્તા જ નથી કારણ કે, બંધારણની કલમ-૩૬૧(૩) હેઠળ પણ તેમને રક્ષણ બક્ષવામાં આવેલું છે. સક્સેના તરફથી એ મુદ્દે પણ હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, ખુદ મૂળ ફરિયાદી મેઘા પાટકરે જ આ કેસની સુનાવણી દરમ્યાન ૯૪ વખત જુદા જુદા કારણોસર મુદતો માંગેલી છે અને પોતાના વિરુદ્ધની ટ્રાયલની કાર્યવાહી બદઇરાદાપ્રેરિત અને રાજકીય છે. આ સંજોગોમાં હાઇકોર્ટે બંધારણની જોગવાઇઓને ધ્યાનમાં લઇને તેઓને યોગ્ય રાહત આપવી જોઇએ.
દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં બાદ જસ્ટિસ મોક્ષા ઠક્કરે રાજ્ય સરકાર અને મૂળ ફરિયાદી મેધા પાટકર વિરુદ્ધ નોટિસ જારી કરી આ કેસમાં તેમનો પણ જવાબ માંગ્યો છે અને ત્યાં સુધી અરજદાર વી.કે. સક્સેના વિરુદ્ધની ઉપરોક્ત કેસના ટ્રાયલની પ્રોસિડિંગ્સ સ્ટે કરી દીધી હતી.