પણજી,
ગોવામાં ૫૩મો IFFI ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે અને આ ફેસ્ટિવલમાં ગઇકાલે એટલે કે રવિવારે ૨૦મી નવેમ્બરે સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા .જણાવી દઈએ કે આ સુપરસ્ટાર ચિરંજીવી એ વર્ષ ૧૯૭૮માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પુનાધિરાલ્લુથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું અને એ પછી થી એમને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. આજે પણ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ બિઝનેસ કરે છે.
ચિરંજીવીની ચાર દાયકાના કરિયરને શ્રદ્ધાંજલિ આપતાં તેમને IFFI માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીના એમના આ શાનદાર સફરમાં ચિરંજીવીને ઘણા એવોર્ડસથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉપરાંત એમને ૧૦ ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા છે. આ સિવાય ચિરંજીવી સાઉથનો પ્રતિષ્ઠિત કહેવાતો નંદી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. જણાવી દઈએ કે એમને ચાર વખત નંદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગોવામાં આયોજિત ૫૩મો IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં સલમાન ખાન, સુનીલ શેટ્ટી સાથે ઘણા દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી અને આ દરમિયાન ઘણા કલાકારોએ લાઈવ પરફોર્મન્સ પણ આપ્યું હતું.
જણાવી દઈએ કે ચિરંજીવીની સાથે સાથે દિગ્ગજ લેખક વિજયેન્દ્ર પ્રસાદ, અભિનેતા પરેશ રાવલ, અભિનેતા અજય દેવગન, સુનીલ શેટ્ટી અને મનોજ બાજપેયી સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા સભ્યોને IFFI ૨૦૨૨ના ઉદ્ઘાટન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અજય દેવગણે કહ્યું હતું કે, મને ફિલ્મો બનાવવાનો શોખ છે. અભિનય હોય કે નિર્માણ હોય કે દિગ્દર્શન, મને ફિલ્મોનું દરેક પાસું ગમે છે અને આ એવોર્ડ અને તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર.