
મેગા ઠગ સુકેશ ચંદ્રશેખરે ગાયક મીકા સિંહને કાનૂની નોટિસ મોકલી છે. આ પાછળ સમગ્ર હકિકત વિશે વાત કરવામાં આવે તો મીકાએ હાલમાં જ હોલિવૂડ અભિનેતા જીન ક્લાઉડ અને જેકલીન ફર્નાન્ડિસના ફોટા પર એક વિચિત્ર કમેન્ટ કરી હતી, સુકેશની આ લીગલ નોટિસ એ જ કમેન્ટને લઈને છે. નોટિસમાં સુકેશે ચેતવણી આપી છે કે મિકાએ પોતાની કમેન્ટ બદલ માફી માગવી જોઈએ અથવા માનહાનિના કેસ માટે તૈયાર રહેવું જોઈએ.

સુકેશના વકીલ અનંત મલિકે નોટિસમાં કહ્યું છે, ‘આ નિવેદન દ્વારા તમે મારા અસીલના ચરિત્ર અને વ્યક્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે. તમારી કમેન્ટને કારણે તેમને મીડિયાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. તેઓ સતત મીડિયા ટ્રાયલ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે.’
લીગલ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુકેશ એક પ્રખ્યાત વ્યક્તિ છે, જે બોલિવૂડ અને રાજકીય ઘરોની નજીક છે. આ નિવેદનોથી સુકેશની છબી ખરડાઈ છે. મિકા સિંહ પોતે પણ બોલિવૂડમાંથી આવે છે. તેઓ જાણે છે કે ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવો કેટલું મુશ્કેલ છે, તેમ છતાં તેમણે ખૂબ જ ખરાબ કમેન્ટ કરી છે.

નોટિસમાં લખવામાં આવ્યું છે, ‘તમને સ્પષ્ટ કરવામાં આવે છે કે આ રીતે અમારા ક્લાયન્ટને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જાણીજોઈને તેમની છબી ખરાબ કરવામાં આવી રહી છે. તે આ પ્રકારનું વર્તન સહન કરવામાં આવશે નહીં. તમને જાણ કરવામાં આવે છે કે તમારી બદનક્ષીભરી કમેન્ટ દ્વારા તમે માનહાનિનો ગંભીર ગુનો કર્યો છે, તેથી તમારી સામે ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 499/500 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે, તમને (મિકાને) અમારા ક્લાયંટની તાત્કાલિક માફી માગવા અને તેમની વિરુદ્ધ કોઈપણ ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. જેના કારણે અમારા ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને વધુ ન વધારશો.

વાસ્તવમાં, મીકાએ તાજેતરમાં જ જેક્લિન ફર્નાન્ડિસ અને હોલિવૂડ અભિનેતા જીન ક્લાઉડના ફોટા પર કમેન્ટ કરી હતી. તેમણે લખ્યું- ‘તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. તેઓ સુકેશ કરતાં ઘણા સારા છે. જો કે, મિકાએ થોડા સમય બાદ પોતાની કમેન્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ હતી.’