મેગા ડિમોલીશનની ફેઝ -2 ની કામગીરીથી વેપારી આલમમાં અફરાતફરી સર્જાઈ

  • દાહોદમાં સ્માર્ટરોડમાં અવરોધરૂપ દબાણો પર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવ્યું
  • પડાવથી બિરસા મુંડા સર્કલ સુધીના માર્ગ પર અવરોધરૂપ દબાણોનો સંખ્યાબંધ જેસીબી દ્વારા ખુરદો બોલાવ્યો.
  • વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરાયેલી ડિમોલેશનની કામગીરીથી સ્ટેશન રોડના વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો ખાલી કરી.
  • સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગ વેરાન બન્યા : સ્ટેશન રોડ વિસ્તારમાં વેપારીઓ દ્વારા ટપોટપ દુકાનો ખાલી કરતા અંધાધૂધી છવાઈ.

દાહોદ,દાહોદ શહેરમાં એક અઠવાડિયાના વિરામબાદ વહીવટી તંત્ર દ્વારા બીજા તબક્કાની ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ડિમોલેશનની કામગીરીમાં વહીવટી તંત્રના અધિકારીઓની ટિમોએ વહેલી સવારે 6 વાગ્યાથી દાહોદ શહેરના પડાવ રોડ થી બિરસા મુંડા સર્કલ સુધીના માર્ગમાં અવરોધરૂપ દબાણો દૂર કરવાની કામગીરીનું સંખ્યાબંધ જેસીબી દ્વારા શરૂ કરતા સ્ટેશન રોડ સહિતના વિસ્તારોના વેપારીઓને દુકાનદારોને દુકાનો ખાલી કરવા માટે માંગેલો પર્યાપ્ત સમયની આશાઓ પર પાણી ફેરવાઈ જવા પામ્યો હતો. જેના પગલે સ્ટેશન રોડના વિસ્તારના વેપારીઓ દ્વારા પોતાની દુકાનનો માલ સ્વૈચ્છિક રીતે શરૂ કરતા આ વિસ્તારમાં એક પ્રકારનો અંધા ધૂધીનો માહોલ સર્જાયો હતો અને મોડી સાંજ સુધી ચાલેલી ડિમોલેશનની કામગીરી પૂર્ણ થયાં બાદ એક સમયે સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ વેરાણ બન્યો હતો.

શહેરના પડાવ રોડ વિસ્તારમાં તેમજ નેતાજી બજાર ખાતે માર્ગમાં અવરોધ રૂપ આવતા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, તેમજ નગર પાલિકા ચોક ખાતે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્શો બુલડોઝર વડે તોડીને જમીન દોસ્ત કરી દેવાયા હતા. વહેલી સવારે પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતની અધ્યક્ષતામાં મામલતદાર મનોજ મિશ્રા, પુરવઠા મામલતદાર એન.એમ.ડામોર, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, ASP જગદીશ બાંગરવા, સીટી સર્વે સુપ્રીટેન્ડેટ તેમજ તેમની આખી ટીમ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ સીટીના અધિકારીઓ સહિતના ટીમોએ પડાવ ખાતે ડિમોલેશનની કામગીરી શરૂ કરતા નગરપાલિકાના સુધરાઈ સભ્યો તેમજ જનપ્રતિનિધિઓ પડાવ ખાતે દોડી આવ્યા હતા અને વેપારીઓને માલ સામાન દુકાનોમાંથી ખાલી કરવા માટે 5 થી 7 કલાકની મોહલ્લત માંગવા માટે ઉગ્ર રજૂઆતો કરાતા એક તબક્કે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓ વચ્ચે ચકમક તેમજ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે પ્રાંત અધિકારી એન.બી.રાજપુતે જનપ્રતિનિધીઓને જણાવ્યું હતું કે, અમે દુકાનો ખાલી કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો હતો પરંતુ વેપારીઓ દ્વારા દુકાનો ખાલી ન કરતા આજે અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે, તમે જનપ્રતિનિધિ છો, સરકારના એક ભાગ છો અને આવા સરકારી કામમાં રૂકાવટ કરતા તમને આ શોભતું નથી. મહેરબાની કરીને અમારા કાર્યમાં દખલગીરી ન કરી અમને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ તેમ જણાવતા સુધરાઈ સભ્યો તેમજ જનપ્રતિનિધિઓ ત્યાંથી રવાના થઈ જતા વહીવટી તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં તંત્ર દ્વારા ડીમોલિશનની કામગીરી શરૂ કરતાં એક તરફ દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ડિમોલેશનની કામગીરી જોતા વેપારીઓ દ્વારા દુકાનોમાંથી માલ સામાન કાઢવા માટે દોડાદોડ મચી જવા પામી હતી. આ કામગીરી થી દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દુકાનો ખાલી કરવા માટે વધુ સમયની માંગણી કરતા વેપારીઓની આશા પર પાણી ફરી વળતા વેપારીઓ દ્વારા ઉતાવળે દુકાનો ખાલી કરવાની કામગીરીમાં જોતરાઈ જતા એક તબબકે અંધાધૂધીનો માહોલ જોવા મળ્યો હતો.