રાજકોટના રમણીય રેસકોર્સ મેદાનમાં આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ વર્ષે લોકમેળાનું નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજૂભાઈ વાળા, આ ઉપરાંત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ આજે સવારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ મેળામાં સલામતી- સુવિધાને વિશેષ પ્રધાન્ય આપવામાં આવ્યું છે. મેળાના અલગ અલગ ચાર ખૂણે કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવીનો કંટ્રોલરૂમ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેશે. 16 વિડીયોગ્રાફર આખો દિવસ મેળામાં ફરીને શૂટિંગ ચાલુ રાખશે. મેળામાં અલગ અલગ જગ્યાએ વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે તેમાં પોલીસ ચાપતી નજર રાખશે સાથોસાથ આવા વોચ ટાવર પર સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. ખિસ્સા કાપવા જેવી પ્રવૃત્તિથી બદનામ ૩૨ જેટલા અઠંગ ગુનેગારોના ફોટા સાથેના પોસ્ટર 20 જેટલી જગ્યાએ લગાવવામાં આવ્યા છે. મેળામાં પ્રવેશવા માટેના ચાર મુખ્ય દ્વાર ઉપરાંત ઈમરજન્સી એક્ઝિટ માટે વધુ બે પ્રવેશ દ્વારા રાખવામાં આવ્યા છે. મેળામાં પ્રવેશતી કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તો તેની તલાસી લેવામાં આવશે. ૧૨૦૦ જેટલા પોલીસ જવાન અને ખાનગી સિક્યુરિટી એજન્સી તથા એસઆરપી નો બંદોબસ્ત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાખવામાં આવ્યો છે. વરસાદના કારણે મેળા માં અનેક જગ્યાએ પાણી ભરાયા છે પરંતુ ત્યાં મોરમ નાખવાની કામગીરી ચાલુ છે અને સાંજ સુધીમાં તે પૂરી થઈ જશે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મેળામાં પોલીસ ફાયર બ્રિગેડ પીજીવીસીએલ અને લોકમેળા સમિતિના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવે છે. લોકમેળા સમિતિનો કંટ્રોલરૂમ ફન વર્લ્ડ નજીકના ખૂણે રાખવામાં આવ્યો છે અને તેના મોબાઈલ નંબર 9499881562 છે. પોલીસ કંટ્રોલ રૂમનો નંબર 9499881563 છે અને તે ફન વર્લ્ડના ગેટ પાસે રહેશે. મહાનગરપાલિકાના કંટ્રોલરૂમનો નંબર 9409901561 રાખવામાં આવ્યો છે. જ્યારે પીજીવીસીએલના કંટ્રોલરૂમનો નંબર 9499651565 છે