મેડિકલ કૉલેજની પ્રવેશ પરીક્ષા ૧૫.૯૭ લાખ વિદ્યાર્થી આપશે

મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા ૧૩મી સપ્ટેમ્બરે યોજાવાની છે અને આ પરીક્ષા ૧૫.૯૭ લાખ વિદ્યાર્થી આપવાના છે.

જેઇઇની પરીક્ષા થયા બાદ નેશનલ ટેસ્ટિંગ ઍજન્સી (એનટીએ) હવે મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા યોજવા માટેની તૈયારી કરી રહી છે.
એન્જિનિયિંરગમાં પ્રવેશ માટેની જેઇઇ મેઇનની પરીક્ષા ૧લી સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી અને રવિવારે પૂરી થઇ હતી.

કોવિડ-૧૯ના વિશ્ર્વવ્યાપી રોગચાળાને લીધે આ બંને મહત્ત્વની પરીક્ષાઓ અગાઉ બે વખત મુલતવી રાખવામાં આવી હતી. એનટીએના સૂત્રોના જણાવ્યા અનુસાર પેન અને પેપર આધારિત નીટની પરીક્ષા માટે આખા દેશમાંથી ૧૫.૯૭ લાખ વિદ્યાર્થીએ પોતાના નામ નોંધાવ્યા છે.
કોરોનાના રોગચાળા દરમિયાન યોજાનારી આ પરીક્ષા વખતે સામાજિક અંતર રાખી શકાય એ માટે એનટીએ દ્વારા કેન્દ્રોની સંખ્યા ૨૫૪૬થી વધારીને ૩૮૪૩ કરવાની અને કલાસદીઠ વિદ્યાર્થીની સંખ્યા ૨૪થી ઘટાડીને ૧૨ કરવાની જાહેરાત કરી હતી.

પરીક્ષા હૉલની બહાર અને પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સામાજિક અંતર જળવાઇ રહે એ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય, પરીક્ષા કેન્દ્રોના પ્રવેશદ્વાર પર તથા પરીક્ષા હૉલની અંદર હૅન્ડ સૅનિટાઇઝરની વ્યવસ્થા, ઉમેદૃવારના પ્રવેશપત્ર તપાસવા માટે બારકૉડ રીડર, એક બેન્ચ છોડીને બેસવાની વ્યવસ્થા, પ્રવેશવા અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા વગેરે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.