મેદાનમાં મરિયમ, બિલાવલ અને નવાઝ; ૮ બેઠકો પર જોરદાર સ્પર્ધા થશે

ઇસ્લામાબાદ, પાકિસ્તાન ચૂંટણી ૨૦૨૪: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી માટે ૮ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. લગભગ ૨૪ કરોડની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. કારણ કે, ઈમરાન ખાન જેલમાં છે અને નવાઝ શરીફ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા છે. બીજી તરફ બિલાવલ ભુટ્ટો પણ પુરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે. આવી સ્થિતિમાં ૨૭૨ બેઠકોમાંથી ૮ બેઠકો એવી છે જ્યાં ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બન્યો છે.

બેનઝીર ભુટ્ટોના પુત્ર અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અયક્ષ બિલાવલ ભુટ્ટો આ વખતે લાહોરની સીટ નંબર ૧૨૭ પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેઓ પીએમએલ-એન નેતા અતાઉલ્લાહ તરાર અને સ્વતંત્ર ઉમેદવાર ચૌધરી શબ્બીર ગુજ્જર સામે લડી રહ્યા છે. આ બેઠક સિવાય બિલાવલ સિંધ પ્રાંતની અન્ય બે બેઠકો પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ચાર વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા છે અને આ વખતે તેઓ લાહોરની સીટ નંબર ૧૩૦ પરથી નસીબ અજમાવી રહ્યા છે. આ સીટ પર નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની પાર્ટીના ડો.યાસ્મીન રાશિદ ચૂંટણી લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાશિદ પૂર્વ પ્રાંતીય સ્વાસ્થ્ય મંત્રી છે. લાહોર ઉપરાંત નવાઝ શરીફ માનસેરા બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ પહેલીવાર સામાન્ય ચૂંટણી લડી રહી છે અને લાહોરની સીટ નંબર ૧૧૯ પરથી ચૂંટણી લડી રહી છે. આ સીટ પર મરિયમ પીટીઆઈના મિયાં અબાદ ફારૂક અને પીપીપીના ઈતખાર શહીદ સામે ચૂંટણી લડી રહી છે.ડેરા ઈસ્માઈલ ખાનની સીટ નંબર ૪૪ પર ત્રણ નેતાઓ વચ્ચે મુકાબલો છે. તેના પર જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના મૌલાના ફઝલુર રહેમાન ચૂંટણી મેદાનમાં છે, જેમની સામે નેતા અને પૂર્વ મંત્રી અલી અમીન ગાંડાપુર અને પીપીપીના ફૈઝલ કરીમ કુંડી ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૮ની ચૂંટણીમાં ગાંડાપુરે ફઝલુર રહેમાનને મોટા અંતરથી હરાવ્યા હતા.

પીએમએલએ પોતાના ગઢ લાહોરની સીટ નંબર ૧૨૨ પરથી ખ્વાજા સાદ રફીકને મેદાનમાં ઉતાર્યા છે. સાદના વિરોધી પીટીઆઈના સરદાર લતીફ ખોસા છે, જેમણે ઈમરાન ખાન વતી ઘણા મોટા કેસ લડ્યા છે.પૂર્વ મંત્રી શાહ મહેમૂદ કુરેશીની પુત્રી મેહર બાનો કુરેશી આ વખતે મુલતાનની સીટ નંબર ૧૫૧ પરથી ચૂંટણી લડી રહી છે. મહેરની સામે પૂર્વ પીએમ યુસુફ રઝા ગિલાનીના પુત્ર અલી મુસા ગિલાની છે. બંને વચ્ચેની સ્પર્ધા ખૂબ જ રસપ્રદ છે.અવામી મુસ્લિમ લીગ (એએમએલ)ના વડા શેખ રશીદ અને પીએમએલ-એનના હનીફ અબ્બાસી વચ્ચે રાજકીય લડાઈ ઘણી જૂની છે. આ વખતે પણ બંને એકબીજાની સામે છે અને રાવલપિંડીની સીટ નંબર ૫૬ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કરાચી બેઠક પર પીટીઆઈના ખુર્રમ શેર ઝમાન અને એમક્યુએમ-પીના ડો. ફારૂક સત્તાર વચ્ચે મુકાબલો છે.