
- જેટલી ગંગા નદી પવિત્ર છે, તેટલી જ પવિત્રતાથી અમે આ મેડલ પ્રાપ્ત કર્યા હતાં.: કુસ્તીબાજો
પાણીપત, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો હરિદ્વારમાં તેમના મેડલ ગંગામાં વહાવશે, કેમ કે તે માતા ગંગા છે. જેટલી ગંગા નદી પવિત્ર છે, તેટલી જ પવિત્રતાથી અમે આ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ મેડલ આખા દેશ માટે પવિત્ર છે અને તેને પવિત્ર રાખવાની યોગ્ય જગ્યા માતા ગંગા જ હોઈ શકે છે. આ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ માટે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે પોલીસ સાથેની અથડામણ બાદ તેઓ જંતર-મંતરથી પરત ફર્યા હતા.
કુસ્તીબાજ સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મેડલ ગંગામાં વહાવી દીધા પછી તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે. સાક્ષીએ લખ્યું- અમે પવિત્રતા સાથે આ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ મેડલને પહેરાવીને તંત્ર માત્ર પોતાનો પ્રચાર કરે છે. પછી અમારું શોષણ કરે છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આ મેડલ પાછા આપીશું નહીં, કેમ કે તેમણે અમારા અંગે કોઈ કાળજી લીધી નથી.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે અમે ૩૮ દિવસથી વિરોધપ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોને તમામ સંભવ સુવિધાઓ આપી હતી, પરંતુ રવિવારે આ લોકોએ કાયદો તોડ્યો હતો. જો કુસ્તીબાજો આગળ આ વખતે વિરોધ કરવા માટે પરવાનગી માગશે તો અમે તેમને જંતર-મંતર નહીં, પણ બીજી જગ્યાએ મોકલીશું.
રવિવારે નવી સંસદની સામે મહિલા મહાપંચાયત બોલાવવામાં આવી હતી. કુસ્તીબાજોએ ત્યાં જવા માટે કૂચ કરી અને બેરિકેડ્સ પણ તોડી નાખ્યા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. આ પછી વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણાં રેસલર્સની અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને છોડી દેવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે કુસ્તીબાજો સહિત ૧૦૯ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. હુલ્લડો ફેલાવવા, સરકારી કામમાં અવરોધ જેવા આરોપો છે. આ કલમોમાં ૭ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
પૂર્વ આઇપીએસ ઓફિસર એનસી અસ્થાનાએ ટ્વીટ કર્યું કે પોલીસને ગોળી મારવાનો અધિકાર છે. તેણે આ પણ લખ્યું હતું – અત્યારે તેમને કચરાના બોરીની જેમ ખેંચીને ફેંકી દેવામાં આવ્યા છે. કલમ ૧૨૯ હેઠળ પોલીસને ગોળી મારવાનો અધિકાર છે. યોગ્ય સંજોગોમાં તે ઇચ્છા પણ પૂર્ણ થશે.
બજરંગ પુનિયાએ આ ટ્વીટના જવાબમાં કહ્યું હતું – આ અધિકારી અમને ગોળી મારવાની વાત કરી રહ્યા છે. ભાઈ સામે ઊભો છે, મને કહો કે ગોળી ખાવા ક્યાં આવવું. હું ક્સમ ખાઉં છું કે હું મારી પીઠ નહીં બતાવીશ, હું તમારી ગોળી મારી છાતી પર લઇશ. અસ્થાનાએ હવે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલિટ કરી દીધું છે. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને કહ્યું હતું કે નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારના ધમકીભર્યા ટ્વીટ હેરાન કરે છે. આ અસ્વીકાર્ય છે. એનાથી સમગ્ર પોલીસ દળની છબિ ખરાબ થાય છે. ખાપો અને ખેડૂતોએ જિંદમાં એક પંચાયત યોજીને જાહેરાત કરી કે તેઓ દિલ્હીમાં દૂધ, શાકભાજી, ફળો અને અન્ય સામાનનો પુરવઠો બંધ કરશે. ખેડૂત આંદોલનની જેમ દિલ્હીને પણ ચારેબાજુથી ઘેરી લેવામાં આવશે.