
જયપુર, પૂર્વ સીએમ અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણી બોન્ડ ભ્રષ્ટાચાર વધારવાનું કામ કરે છે. તેનાથી રાજકીય દાનની પારદશતા ખતમ થઈ ગઈ અને તેનો સીધો ફાયદો શાસક પક્ષ ભાજપને થયો. મેં વારંવાર કહ્યું છે કે ચૂંટણી બોન્ડ સ્વતંત્ર ભારતના સૌથી મોટા કૌભાંડોમાંનું એક છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે ચૂંટણી બોન્ડ એનડીએ સરકારનું મોટું કૌભાંડ છે. આ નિર્ણય મોડો આવ્યો પરંતુ દેશની લોકશાહીને બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. સુપ્રીમ કોર્ટનો આભાર.
વાસ્તવમાં, ભારત સરકારે ૨૦૧૭માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના ૨૯ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ સરકાર દ્વારા કાયદેસર રીતે લાગુ કરવામાં આવી હતી. જો આપણે તેને સરળ ભાષામાં સમજીએ તો, ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને દાન આપવાનું નાણાકીય માયમ છે. તે એક પ્રોમિસરી નોટ જેવી છે જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અનામી રૂપે દાન કરી શકે છે.