મેં જ ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું, સરકાર બનશે તો તેમાં જોડાઈશું: મમતા બેનરજી

કોલકાત્તા, લોક્સભા ચૂંટણી પાંચમા તબક્કામાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું કે, તેમણે ઈન્ડિયા ગઠબંધનની રચના કરી છે અને જો ઈન્ડિયા ગઠબંધન ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા કેન્દ્રમાં સરકાર બનાવે છે, તો એ ગઠબંધનનો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે સરકારને બહારથી ટેકો આપવાની જાહેરાત કરી હતી.

આ સાથે મમતા બેનરજીએ કહ્યું કે, અનેક લોકોએ મને ખોટી સમજી છે. પરંતુ અમે ઈન્ડિયા ગઠબંધનમાં રહીશું. મેં ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનની સાથે સીટ-વહેંચણીના મુદ્દા પછી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

મમતા બેનરજીએ પહેલાં પણ કહ્યું હતું કે, જો ભાજપ હારે છે તો એ વિપક્ષોના ગઠબંધનને સમર્થન આપશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં ગઠબંધન શક્ય નથી, કેમ કે કોંગ્રેસ-સીપીએમ પરોક્ષ રીતે ભાજપનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ જ્યારે દિલ્હીની વાત આવે છે તો તૃણમૂલ કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનના ટેકો આપશે.