નવીદિલ્હી,
દિલ્હીના કંઝાવાલા કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલી નામની યુવતીના મોતના કેસમાં તેની મિત્ર નિધિ દ્વારા કરાયેલા નવા ખુલાસાએ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમની સામે અનેક સવાલ ઊભા કર્યા છે. નિધિએ કહ્યું કે તેણે અને અંજલીએ પાર્ટી કરવા માટે હોટલમાં રૂમ ભાડે લીધો હતો. હોટલમાં તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો. ત્યારબાદ બંને એક સ્કૂટી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં સ્કૂટીને એક કારે ટક્કર મારી દીધી. ત્યારબાદ અંજલી કાર નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ અંજલિ અનેક કિલોમીટર સુધી ઢસડાઈ. આ કેસમાં એક વધુ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે જેમાં હોટલની બહાર બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો પણ જોવા મળે છે. હવે પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે.
કંઝાવાલા કેસમાં હજુ સુધી કશું પણ પૂરેપૂરું સ્પષ્ટ નથી. છેલ્લા ૩ દિવસમાં એટલું બધુ સામે આવ્યું છે કે દિલ્હી પોલીસ પણ સ્પષ્ટ જણાવી શક્તી નથી. પોલીસ એ ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે કે શું આરોપી અંજલી કે નિધિને પહેલેથી જાણતા હતા?