મધ્યપ્રદેશની તમામ ૨૯ લોક્સભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. આ શરૂઆતના વલણમાં ભાજપ તમામ સીટો પર આગળ છે. મોટાભાગની બેઠકો પર વિજયી મતનો તફાવત એક લાખથી વધારે છે. અત્યાર સુધીની મત ગણતરીમાં છિંદવાડા બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી રહી છે. આ વલણો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, મને સંતોષ છે કે નરેન્દ્ર મોદી સરકાર ફરીથી પૂર્ણ બહુમતી સાથે બનવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ ૨૯માંથી ૨૯ બેઠકો પર આગળ છે, હું દરેકને અભિનંદન આપું છું. મતગણતરી શરૂ થયા બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ત્રણ સીટો પર લીડ મેળવી હતી પરંતુ ૧ કલાક પછી કોંગ્રેસ તમામ સીટો પર પાછળ રહી ગઈ છે. હવે ભાજપ તમામ ૨૯ બેઠકો પર આગળ છે.
ગુના-શિવપુરી લોક્સભા સીટ પર બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા લગભગ ૨.૫ લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. ઈન્દોરથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી ૨ લાખ ૪૨ હજાર મતોના માર્જીનથી પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ છે. વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ ૧.૫ લાખ મતોથી આગળ છે. છિંદવાડામાં ભાજપના ઉમેદવાર વિવેક બંટી સાહુ ૧૪ હજારથી વધુ મતોથી આગળ છે.