મધ્યપ્રદેશની પરણિતાએ સાસરીયાના ત્રાસથી પિયર દાહોદ આવી સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ, દંપતિ તથા સાસરીયા દ્વારા વાંઝણી હોવાના તથા તેને છોકરા થતા નથી તેવા મહેણા ટોણા મારી મારકુટ કરી પહેરેલ કપડે ઘર માંથી કાઢી મૂકતા દાહોદ ખાતે પોતાના પિયરમાં આવેલી મધ્યપ્રદેશની 28 વર્ષીય પરણિતાએ ન્યાયની દાદ માટે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ બસ સ્ટેશન સામે યાદવ ચાલમાં રહેતી મીનાક્ષીબેનના લગ્ન મધ્યપ્રદેશના ધાર જીલ્લાના કુક્ષી ખાતે શીતલા માતા રોડ, આઈ ધામ કોલોનીમાં રહેતા મયુરભાઈ રાજુભાઈ સીર્વી સાથે સમાજના રીતરીવાજ મુજબ તા. 9-2-2020ના રોજ થયા હતા. મીનાક્ષીબેનને લગ્નના એક વર્ષ સુધી સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને મીનાક્ષીબેનનો પતિ મયુરભાઈ કોઈ અન્ય સ્ત્રી જોડે વાત કરતા જોઈ જતાં મયુરભાઈને તે મામલે પુછતાં મયુરભાઈએ પત્ની મીનાક્ષીબેન સાથે ઝઘડો તકરાર કરી મારકુટ કરી ક્યાંક જતો રહ્યો છે અને મીનાક્ષીબેનના સાસુ મીરા રાજુભાઈ સીર્વે, સસરા રાજુભાઈ બાસાજીભાઈ સીર્વે તથા તેના દિયર પવનભાઈ રાજુભાઈ સીર્વે મીનાક્ષીબેનને તું વાંઝણી છે. તને છોકરા થતાં નથી. તેમ કહી મહેણાં ટોણા મારી ગાળો બોલી મારી નાંખવાની ધાકધમકીઓ આપી પહેરેલ કપડે ઘર માંથી કાઢી મૂકતાં મીનાક્ષીબેને પીયરવાટ પકડી દાહોદ પોતાના પિયરમાં આવી માવતરને પોતાની આપવીતી સંભળાવ્યા બાદ આ સંબંધે દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મીનાક્ષીબેનના પતિ મયુરભાઈ રાજુભાઈ, સસરા રાજુપભાઈ બાસાજીભાઈ સીર્વી, દીયર પવનભાઈ રાજુભાઈ સીર્વી તથા સાસુ મીરાબેન રાજુભાઈ સીર્વે વિરૂધ્ધ ઈપિકો કલમ 498(ક), 323, 504, 506, 114 મૂજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.