મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એનિમિયાના કારણે મોત, ૪૨ દિવસમાં ૨૭ માતાના મોત

ભોપાલ, મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં માતા મૃત્યુ દરના સમીક્ષા અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં એનિમિયાના કારણે પન્નામાં ૮ મહિનામાં ૩૨ સગર્ભા મહિલાઓના મોત થયા છે. આ અહેવાલે આરોગ્ય વિભાગના તમામ જાગૃતિના કાર્યક્રમોનો પર્દાફાશ કર્યો છે. જિલ્લામાં માતા-બાળકની આરોગ્ય સેવાઓ સુધારવા માટે અનેક ઝુંબેશ અને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેની અસર જમીન પર દેખાતી નથી. સગર્ભા સ્ત્રીઓ લોહીના અભાવે મૃત્યુ પામી રહી છે. વિભાગ હજુ પણ આ બાબતે ગંભીર નથી. રિપોર્ટ અનુસાર, ડિલિવરીના ૪૨ દિવસમાં ૨૭ માતાઓના મોત થયા છે.

આરોગ્ય વિભાગના રિપોર્ટમાં જિલ્લાની ૧૦૦૦ મહિલાઓ એનિમિયાથી પીડિત હોવાનું બહાર આવ્યું છે. આમાંની મોટાભાગની મહિલાઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. મૃત્યુ પામેલી સગર્ભા સ્ત્રીઓમાં, એનિમિયા તેમાંથી ઘણીનું કારણ હતું. તમને જણાવી દઈએ કે માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ ચાલી રહી છે. પરંતુ જિલ્લામાં મૃત્યુદરમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. આ બાબત ખુદ આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો બની છે.

પન્ના જિલ્લાના ગાયનેકોલોજિસ્ટ નીલમ પટેલે જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમિયાન સારો આહાર અને કાળજી ન લેવાના કારણે મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે, ડિલિવરી પછી વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે સ્થિતિ ગંભીર બની હતી અને મૃત્યુ થયું હતું. જીલ્લા તબીબી અધિકારી વી ઈસ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મોટાભાગની ગ્રામીણ મહિલાઓ એનિમિયાથી પીડિત છે. જેનું મુખ્ય કારણ યોગ્ય ખોરાક અને દવા ન લેવાનું છે. આ કારણે તે એનિમિયાથી પીડાઈ રહી છે. જાગૃતિ ફેલાવીને મૃત્યુઆંક ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.