મધ્યાન ભોજન યોજનામાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતી મામલે બાલાસિનોર નાયબ કલેકટર દ્વારા અપીલ કરનારને રૂબરૂ બોલાવી નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે

બાલાસિનોર,બાલાસિનોર તાલુકામાં મધ્યાન ભોજન યોજનામાં તાજેતરમાં ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ભારે ગેરરીતી આચરી પૈસાના જોરે ભરતી કરાયાની બૂમ ઉઠી હતી. જેમાં અનેક જગ્યાઓ પર લાયકાત વાળા ઉમેદવારોને નિમણૂક ના મળતા અપીલ અરજી નિષ્પક્ષ તપાસની માંગ સાથે દાખલ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક રસોઈયા અને મદદનીશ ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ યોજનામાં ભારે ગેરરીતી આચરીને ભરતી કરવામાં આવી હોવાની ચર્ચાઓ જાગતાની સાથે જ લાયકાતવાળા ઉમેદવારની જગ્યાએ ઓછું ભણેલા ઉમેદવારોની નિમણૂંક કરતા લાયકાત વાળા ઉમેદવારો દ્વારા નાયબ કલેકટર હિરેન ચૌહાણને અપીલ અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાબતે નાયબ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અપીલ અરજી દાખલ કરનાર અરજદારને અને ભરતી કરનાર અધિકારીને બંનેને નોટિસ આપીને બોલાવવામાં આવશે અને જો ભરતીમાં ગેરરીતી થઈ હશે, તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને અપીલ અરજદારોની અપીલને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.