અમદાવાદ, વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક જ પરિવારના ૫ સભ્યોના મોત નિપજ્યા છે. જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જઇ રહેલા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરમાં કાર પાછળથી અથડાઈ હતી. પાટીદાર પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં ૧ વર્ષના બાળક સહિત ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
અકસ્માતમાં ૪ વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી. હાઇવે પર રોડની સાઈડમાં ઉભા રહી જતા મોટા વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલામાં પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉં.વ. ૩૪,મયુરભાઈ પટેલ, ઉં.વ. ૩૦,ઉર્વશિબેન પટેલ, ઉં.વ. ૩૧,ભૂમિકાબેન પટેલ, ઉં.વ. ૨૮,લવ પટેલ, ઉં.વ. ૧,અકસ્માતમાં બચી જનાર અસ્મિતા પટેલ, ઉં.વ. ૪નો સમાવેશ થાય છે
ખેડાની નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રક અને લાકડા ભરેલ ટ્રેકટર વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. લાકડા ભરેલ ટ્રેકટરની પાછળ ટ્રક અથડાતાં મોટો અક્સ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરની પાછળ ટ્રક ચાલકે ટક્કર મારતાં લાકડા ભરેલ ટ્રેક્ટર હાઇવે પર પલ્ટી મારી ગયું હતું.
અક્સ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ, હાઇવે પેટ્રોલિંગની ટીમ અને વસો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અક્સ્માત થતાં જ ટ્રક ડ્રાઈવર હાઇવે પર ટ્રક મૂકી ફરાર થયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મહારાષ્ટ્ર પાર્સીંગ ની ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. વસો પોલીસે ટ્રેક્ટરમાં સવાર બન્ને મૃતક વ્યક્તિઓ ક્યાંના છે તેની તપાસ શરૂ કરી છે.