એમસીડીમાં આપની જીત બાદ ભાજપમાં ભડકો, નારાજગીના સૂર રેલાયા હોવાની ચર્ચા

નવીદિલ્હી,

એમસીડીની ચૂંટણી પછી દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી હતી. હોદ્દેદારોની બેઠકમાં પદાધિકારીઓને ધમકીભર્યા અંદાજમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મને પ્રમુખ પદેથી દૂર કરવા માટે કેટલાક લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે, યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ નેતાઓ જોઈ લેવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, એમસીડી ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ કાર્યાલયમાં પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે, તેમણે અધ્યક્ષ પદેથી હટાવવા માટે ઘણા નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, પાર્ટીના હોદ્દેદારોની બેઠકમાં જે પદાધિકારીઓ મને હટાવવા ઇચ્છે છે, તેમણે સમય આવે જવાબ આપવામાં આવશે.

નોંધનીય છે કે, ભાજપના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી. દિલ્હી રાજ્ય કાર્યાલયમાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરો આવ્યાં હતા. જેમાં વિરોધનો સૂર રેડાયો છે. આ સાથે સાથે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા બીજેપી ઓફિસ પહોંચ્યા હતા. આદેશ ગુપ્તા આગામી વ્યૂહરચના સંદર્ભે કાઉન્સિલરોની બેઠક લઈ રહ્યા છે. અગાઉ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારીની મહત્વની બેઠક મળી હતી.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકો કર્યો છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ અત્યાર સુધીમાં ૨૫૦માંથી ૧૩૩ વોર્ડ જીત્યા છે. બુધવારે આવેલા આ ચૂંટણીના પરિણામમાં છેલ્લા ૧૫ વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને ૧૦૧ બેઠકો મળી હતી.